ગુજરાત હાઇ કોર્ટ દ્વારા સોમવાર, 17 જાન્યુઆરીએ ‘જસ્ટિસ ક્લોક’ અને ઇ-કોર્ટ ફી સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ કોર્ટોની રોજિંદી કામગીરી અને પેન્ડીંગ કેસોની માહિતી દર્શાવતી જસ્ટિસ ક્લોકની સ્થાપના હાઇકોર્ટ બહાર કરવામાં આવી છે અને વેબસાઇટ પર તેનું ઇ-વર્ઝન મૂકાયું છે. આ બન્ને સેવાઓનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા ઉદઘાટન કરાયું હતું.
ગુજરાત હાઇ કોર્ટ ‘જસ્ટિસ ક્લોક’ ધરાવતી દેશની પ્રથમ હાઇ કોર્ટ છે. ‘જસ્ટિસ ક્લોક’ આઉટડોર ડિસ્પ્લે એલઇડી વોલ છે, જે પેન્ડિંગ કેસો અને નિકાલ થયા કેસો સહિતની માહિતી આપે છે. અમદાવાદના કારગિલ ચાર રસ્તા પર મૂકવામાં આવલી આ જસ્ટિસ ક્લોકમાં ૧૦ વર્ષ જૂનાં, ૧૦થી ૨૫ વર્ષ જૂનાં, ૨૫થી પણ વધુ વર્ષ જૂનાં કેસો અંગેની વિગતો આપવામાં આવશે. આ ઉપરાંત હાઇકોર્ટમાં રોજ નવાં નોંધાતા કેસો અને નિકાલ થતાં કેસોનો ડેટા પણ દર્શાવવામાં આવશે. ઉપરાંત તેમાં દરરોજનો, અઠવાડિયાનો, મહિનાનો સી.સી.આર. એટલે કે કેસ ક્લીઅરન્સ રેટ દર્શાવવામાં આવાશે. ક્લોકની ઓનલાઇન આવૃત્તિ કોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
બન્ને સેવાઓનો ઓનલાઇન ઉદઘાટનના કાર્યક્રમમાં જસ્ટિસ ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સહિતના ન્યાયમૂર્તિઓ હાજર રહ્યા હતા.