યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના નવીનતમ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કોવિડ-19 વેક્સીનનો પ્રથમ બૂસ્ટર ડોઝ વૃદ્ધ વયસ્કોમાં ઓમિક્રોન વેરિઅન્ટ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ પૂરું પાડતો હોવાથી હાલમાં કોવિડ-19 રસી (કોવિડ બૂસ્ટર)ના ચોથા ડોઝની જરૂર નથી એમ જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI)એ જણાવ્યું હતું.
UKSHAના ડેટા દર્શાવે છે કે સિંગલ બૂસ્ટર ડોઝ 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને હોસ્પિટલમાં દાખલ થવા સામે લગભગ 90 ટકા રક્ષણ પૂરું પાડે છે. જો કે, હળવા લક્ષણોના ચેપ સામે આ રક્ષણ અલ્પજીવી છે અને લગભગ ત્રણ મહિના સુધીમાં તે લગભગ 30 ટકા સુધી ઘટી જાય છે.
65 વર્ષથી વધુ વયના લોકોમાં બે રસીના ડોઝ પછી અપાયેલા બૂસ્ટર ડોઝ બાદ ચેપ સામેનું રક્ષણ ત્રણ મહિના પછી લગભગ 70 ટકા અને છ મહિના પછી 50 ટકા જેટલું ઘટી જાય છે. બૂસ્ટર ડોઝ સૌથી વધુ સંવેદનશીલ વૃદ્ધ વયના લોકો માટે પણ ગંભીર રોગ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ પૂરું પાડવાનું ચાલુ રાખે છે.