પોતાનું રક્ષણ કરવામાં અસક્ષમ પાર્ટનર પર હુમલો કરવા બદલ એગબ્રિગ રોડ, વેકફિલ્ડ ખાતે રહેતા 54 વર્ષીય તાહિર મલિક નામના કેરરને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મલિકે ડિમેન્શીયાથી પિડાતા લીડ્ઝ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ટીમોથી પોટ્સ (ઉ.વ. 88) પર “નિરાશાના કારણે” હુમલો કર્યો હતો. જેમાં તેમને “ખૂબ જ નોંધપાત્ર” ઈજાઓ થઈ હતી. ફિલોસોફી શીખવતા ડૉ. પોટ્સ 19 વર્ષથી 34 વર્ષ નાના મલિક સાથે સંબંધમાં હતા પરંતુ 2015માં તેમની તબિયત બગડી હતી. મલિકે તેમની સંભાળની જવાબદારીઓ લીધી હતી.
મલિક ટ્રાયલ પછી દોષિત ઠર્યા હતા. તેમણે શારીરિક નુકસાન પહોંચાડવાના બે કાઉન્ટ આરોપોને નકાર્યા હતા. જુલાઇ 2018માં ડો. પોટ્સ મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેના પાછળ હુમલાઓ જવાબદાર હતા તેનું કોઈ સૂચન નથી.
જજ બટ્ટીએ કહ્યું હતું કે તેમને આશા છે કે પોલીસ મલિક અન્ય જે જે વ્યક્તિની સારવાર કરતા હતા તેની તપાસ કરશે.