વડા પ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરીએ મે 2020ના કોરોના વાઇરસના રોગચાળાના પ્રથમ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં 100થી વધુ લોકોને “બ્રિંગ યોર ઑન બૂઝ’’ એટલે કે તમારો પોતાનો દારૂ લઇને આવો ને પાર્ટી કરો, એવા ઇમેઇલ નિમંત્રણ મોકલી પાર્ટી માણી હતી તે બદલ વડા પ્રધાન બોરિસ જૉન્સન ભીંસમાં મુકાયા છે. મંગળવારે આ અહેવાલ લખાય છે ત્યારે તમામ વિપક્ષોએ એકજૂથ થઇને વડા પ્રધાનને આ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે અને બોરિસ જોન્સન વડા પ્રધાનના પદ માટે લાયક નથી તેવો અભિપ્રાય વિપક્ષી નેતાઓ રજૂ કરી રહ્યા છે.
આ અગાઉ 2020ના ક્રિસમસ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટીમાં હસતા અને મજાક કરતા હોય તેવો જૉન્સનનો વીડિયો સામે આવ્યા બાદ છેલ્લા એક મહિનાથી તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર તરફથી તેમની ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જૉન્સને હવે દેશનું નેતૃત્વ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.
આઇટીવીના રીપોર્ટ મુજબ વડાપ્રધાનના મુખ્ય પ્રાઇવેટ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સે ઇમેઇલ દ્વારા આમંત્રણ મોકલ્યા પછી, 20 મે, 2020ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં એકત્ર થયેલા લગભગ સ્ટાફના 30 લોકો સાથે જૉન્સન અને તેના પાર્ટનર કેરી પણ સામેલ થયા હતા.
રેનોલ્ડ્સે ઈમેલમાં જણાવ્યું હતું કે, “અવિશ્વસનીય રીતે વ્યસ્ત સમયગાળા પછી અમે વિચાર્યું છે કે આજે સાંજે નંબર 10ના ગાર્ડનમાં સુંદર હવામાનનો મહત્તમ ઉપયોગ કરવો અને સામાજિક રીતે અંતર જાળવીને ડ્રિંક્સ લેવાનું સારું રહેશે. કૃપા કરીને સાંજે 6 વાગ્યાથી અમારી સાથે જોડાઓ અને તમારો પોતાનો દારૂ સાથે લાવજો!”
તે સમયે, મોટાભાગના વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ રખાઇ હતી અને સામાજિક મિશ્રણ પર કડક નિયંત્રણો સાથે પબ અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવ્યા હતા. લોકોને મૃત્યુ પામેલા સ્વજનોને રૂબરૂ વિદાય આપતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસે પાર્ટીઓ કરવા સહિત પ્રતિબંધોના અમલ માટે લોકો પર કાર્યવાહી કરી હતી.
વડા પ્રધાનની ઓફિસે ITV રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારી, સુ ગ્રે, હાલમાં લોકડાઉન પ્રતિબંધો દરમિયાન ગયા વર્ષે સરકારી વિભાગોમાં યોજાયેલી ઓછામાં ઓછી પાંચ પાર્ટીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે.
ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટીઓ અંગે જૉન્સને ગયા મહિને સંસદમાં જણાવ્યું હતું કે ‘’તમામ કોવિડ માર્ગદર્શનનું પાલન કરવામાં આવ્યું છે, કોઈ નિયમો તોડવામાં આવ્યા નથી અને ડાઉનિંગ સ્ટ્રીટમાં કોઈ પાર્ટી થઇ નથી.’’ રાજકીય વિરોધીઓએ કહ્યું હતું કે જો જૉન્સન લોકડાઉન દરમિયાન કોઈ પાર્ટીમાં ગયા હશે તો તેમની સ્થિતિ જોખમમાં મૂકાઈ જશે. લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા એડ મિલિબેન્ડ, સ્કોટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ નેતા રૂથ ડેવિડસન સહિત ઘણાં નેતાઓ ને પક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
તાજેતરના મહિનાઓમાં, 57 વર્ષીય જૉન્સને તેમના સ્લીઝ કૌભાંડ, મલાઇદાર કોવિડ કોન્ટ્રાક્ટ આપવા, તેના ડાઉનિંગ સ્ટ્રીટના ફ્લેટના નવીનીકરણ અને પાળેલા પ્રાણીઓને કાબુલમાંથી બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા દરમિયાનગીરી કરવાનો દાવો કરવા બદલ આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
જુનિયર હેલ્થ મિનિસ્ટર એડવર્ડ અર્ગરે જણાવ્યું હતું કે તેઓ સમજે છે કે પાર્ટી વિશેના અહેવાલોથી ખાસ કરીને જેમણે કુટુંબ અને મિત્રો ગુમાવ્યા છે તેમને દુ:ખ થશે. તપાસ ચાલી રહી હોય ત્યારે તેના માટે ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે. અગાઉ સરકારી અધિકારીઓના લોકડાઉન મેળાવડાના દાવાઓની તપાસ કરવાનો ઇનકાર કરનાર લંડન પોલીસે તા. 10ને સોમવારે જણાવ્યું હતું કે તે ડાઉનિંગ સ્ટ્રીટમાં હેલ્થ પ્રોટેક્શન લોના કથિત ભંગ અંગે કેબિનેટ ઓફિસના સંપર્કમાં છે.
• વડા પ્રધાને એ કહેવાનો ઇનકાર કર્યો છે કે તેઓ ત્યાં શું કરતા હતા, અને નંબર 10 એ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
• પાર્ટીના બાર દિવસ પછી 1 જૂનના રોજ – ઇંગ્લેન્ડમાં નિયમો હળવા કરવામાં આવ્યા હતા અને છ લોકો સુધીના જૂથોને બહાર મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
• લેબરે જણાવ્યું હતું કે જો વડા પ્રધાને હાજરી આપી હોય તો તેમને “ગંભીર પ્રશ્નો”નો સામનો કરવો પડશે.
• લિબરલ ડેમોક્રેટ્સે પોલીસ તપાસ માટે હાકલ કરી છે.
• બુધવાર તા. 20 મેની પાર્ટી ગયા અઠવાડિયે પીએમના ભૂતપૂર્વ સલાહકાર ડોમિનિક કમિંગ્સના બ્લોગમાં પ્રથમ વખત પ્રકાશમાં આવી હતી.
• પાર્ટીના દિવસે લંડનમાં 25C (77F) તાપમાન હતું અને પોલીસે લોકોને નિયમના પાલન માટે ચેતવણી આપી હતી.
• પાર્ટીના દિવસે, તત્કાલિન કલ્ચરલ સેક્રેટરી ઓલિવર ડોઉડેને, ડાઉનિંગ સ્ટ્રીટ બ્રીફિંગમાં યુકેમાં અગાઉના 24 કલાકમાં કોવિડથી અન્ય 363 લોકો મૃત્યુ પામ્યા હોવાની અને વર્તમાન કોવિડ નિયમોના પાલનની જાણકારી આપી હતી.
• મિનિસ્ટર અર્ગરે કહ્યું હતું કે શ્રીમતી ગ્રેને “ડર અથવા તરફેણ વિના” આરોપો જોવાની મંજૂરી આપવામાં આવશે અને “ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ નિયમો તોડ્યા હોવાનું દર્શાવવામાં આવશે તો યોગ્ય શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે.”
• લેબર ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે કહ્યું હતું કે “બોરિસ જૉન્સને સતત બતાવ્યું છે કે તે આપણા બાકીના લોકો માટે જે નિયમો મૂકે છે તેની તેમને કોઈ પરવા નથી.