મહામારી દરમિયાન એપ્પલ કંપનીના શેરમાં અસાધારણ વધારો થતાં તે ત્રણ ટ્રિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી વિશ્વની પ્રથમ કંપની બની ગઇ છે. આઇફોન નિર્માતા કંપનીએ પ્રથમવાર 2 ટ્રિલિયન ડોલરનું મૂલ્ય વટાવ્યા પછી એક વર્ષના સમયગાળામાં અભૂતપૂર્વ લક્ષ્યાંક પાર કર્યો છે. વિશ્વની સૌથી મોટી જાહેર બિઝનેસ કરતી કંપની, ટેક્નોલોજી ગ્રુપના શેરમાં ગત વર્ષે લગભગ 40 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં કંપનીના શેર નીચા જતા પહેલા મિડ-ડે ટ્રેડિંગમાં 182.88 ડોલરની સર્વાધિક ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. બંધ સમયે, એપ્પલના શેર 4.44 ડોલર અથવા 2.5 ટકા વધીને 182.01 ડોલર પર હતા.
વિશ્વમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની આ સીમાચિહ્ન સુધી પહોંચેલી પ્રથમ કંપની છે. આ અંગે રોકાણકારોએ દાવો કર્યો છે કે ગ્રાહકો મોંઘા આઇફોન્સ, મેકબુક્સ અને એપ્પલ ટીવી તથા એપ્પલ મ્યુઝિક જેવા અન્ય ગેજેટ્સ અને સર્વિસીઝ ખરીદવાનું ચાલુ રાખશે. એપ્પલનું બજાર મૂલ્ય માત્ર 16 મહિનામાં જ 2 ટ્રિલિયન ડોલરથી 3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. તેના શેરની કિંમતમાં ખૂબ જ મોટો વધારો થયો હતો અને તેણે મોટી ટેક્નોલોજી કંપનીઓના ગ્રુપનું નેતૃત્ત્વ કર્યું હતું. લોકો કોરોના વાઇરસ લોકડાઉન દરમિયાન ટેકનોલોજી પર મોટો આધાર રાખતા હોવાથી તેને ફાયદો થયો હતો. એપ્પલની સ્થાપના 1976 કેલિફોર્નિયાના કુપરટિનોમાં થઇ હતી. તે ચાર દસકા કરતાં વધુ સમયથી લિસ્ટેડ કંપની છે. તેના આઇફોનનું તમામ ઉત્પાદનોમાં અડધા ભાગનું વેચાણ ધરાવે છે. આ ઉપરાંત તે આઇપેડ ટેબ્લેટસ, મેક કોમ્પ્યુટર્સનું ઉત્પાદન પણ કરે છે. વધુમાં તે એપ્પલ સ્ટોર દ્વારા સોફ્ટવેર, આઇક્લાઉડ દ્વારા સ્ટોરેજ સ્પેસનું પણ વેચાણ કરે છે. મ્યુઝિક, ટીવી અને ફિટનેસ સબ્સ્ક્રિપ્શન પ્લેટફોર્મ્સ જેવી સર્વિસીઝ પણ પૂરી પાડે છે.