પરિણીત હોય અને અપરિણીત મહિલાઓના ગૌરવ વચ્ચે કેવી રીતે ભેદ પાડી શકાય તે અંગે સવાલો ઊભા કરીને દિલ્હી હાઇ કોર્ટે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે લગ્ન કરેલા હોય કે ન કરેલા હોય, પરંતુ દરેક મહિલાને સંમતી વગરના જાતિય સંબંધો માટે ના કહેવાનો હક છે.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે તર્ક અને આગ્રહ એ છે કે સંબંધોને અલગ અગલ પાયા પર રાખી શકાય નહીં, કારણ કે મહિલા તો આખરે એક મહિલા જ રહે છે. મહિલાએ લગ્ન કર્યા હોવાથી તે આઇપીસીની કલમ 375 હેઠળ (રેપ) હેઠળ નહીં, પરંતુ બીજા સિવિલ અને ગુનાહિત કાયદાનો ઉપયોગ કરી શકે છે તેવું તદ્દન યોગ્ય નથી.
મેરિટલ રેપને ગુનાહિત કૃત્ય ગણવાની સંખ્યાબંધ પિટિશનની સુનાવણી કરતા હાઇ કોર્ટની ખંડપીઠે સવાલ કર્યો હતો કે માત્ર લગ્ન કર્યા હોવાથી એક મહિલા તેનો ના કહેવાનો હક ગુમાવી શકે ખરી? કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 375 હેઠળ પતિઓને કાર્યવાહીમાંથી આપેલી માફીથી એક અભેદ દિવાલ ઊભી થઈ છે. કોર્ટે એ અંગે ચકાસણી કરવી જોઇએ કે આ દિવાલ બંધારણની આર્ટિકલ 14 (કાયદા સામે તમામ સમાન) અને 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ)નું ઉલ્લંઘન કરે છે કે નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે આર્ટિકલ 14 અને 21ની કસોટીમાં આ દિવાલ વાજબી છે ખરી? આ એક પાસા અંગે આપણે વિચારણા કરવાની છે. પતિ બળજબરી કરે તો પત્ની છૂટાછેડા માંગી શકે છે તેવું કહેવાનો અહીં મુદ્દો નથી. તે અવિવાહિત મહિલાના સંદર્ભમાં અલગ કેમ છે? આવા કૃત્યુથી માત્ર અપરિણિત મહિલાના ગૌરવને અસર થાય છે, પરંતુ તેનાથી પરિણિત મહિલાના ગૌરવને અસર થથી નથી. આવું કેવી રીતે હોઇ શકે? આ સવાલનો જવાબ શું છે? શું મહિલા લગ્ન કરેલા હોવાથી ના કહેવાનો હક ગુમાવે છે? શું 50 દેશો (મેરિટલ રેપને ગુનો ગણનારા) દેશો ખોટા છે?