ભારતનું અગ્રણી ઔદ્યોગિક ગ્રુપ – ટાટા ગ્રુપ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ટાઇટલ સ્પોન્સર રહેશે. હાલમાં આઇપીએલના ટાઇટલ સ્પોન્સર ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની વીવો છે અને ટાટા ગ્રુપ તેનું સ્થાન લેશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારની બેઠકમાં આ નિર્ણય કર્યો હતો.
આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ ગતિવિધીને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે “હા, ટાટા ગ્રુપ આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર બની રહ્યું છે.”
વીવોએ 2018થી 2022 સુધી ટાઇટલ સ્પોન્સરશીપ માટે રૂ.2200 કરોડની ડીલ કરી હતી, પરંતુ 2020માં ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી વીવોએ એક વર્ષનો બ્રેક લીધો હતો અને તેની જગ્યાએ ડ્રીમ11 ટાઇટલ સ્પોન્સર બની હતી. 2021માં વીવો ફરી સ્પોન્સર રહી હતી, પણ છેલ્લા વર્ષ માટે તે પોતાના સ્થાને કોઈ નવા સ્પોન્સર માટે પ્રયાસ કરી રહી હતી. હવે તેણે પોતાના વિકલ્પ તરીકે ટાટા ગ્રુપનું નામ સૂચવ્યું હતું અને ભારતીય ક્રિકેટ બોર્ડે તેને બહાલી આપી હતી.