ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશમાં કોરોનાના નવા કેસો અંકુશ બહાર જવાનો ભય ઊભો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મોદીએ ટેસ્ટિંગ, જિનોમ સિકવન્સિંગ અને વેક્સિનેશન પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને રાજ્ય સ્તરની સ્થિતિની ચર્ચા કરવા મુખ્યપ્રધાનોની બેઠક પણ યોજવાનું સૂચન કર્યું હતું. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે વાઇરસ સતત સ્વરૂપ બદલી રહ્યો હોવાથી ટેસ્ટિંગ, વેક્સિન અને જિનોમ સિકવન્સિંગ સહિત ઔષધશાસ્ત્રમાં સતત વૈજ્ઞાનિક સંશોધનની જરૂર છે. કિશોરોમાં એક મિશન તરીકે રસીકરણની આવશ્યકતા છે અને આગામી દિવસોમાં કોરોના નિયમોનું પાલન મહત્ત્વપૂર્ણ બનશે.
મોદીએ રાજ્ય સ્તરની સ્થિતિ, શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અને જાહેર આરોગ્યના પગલાંની ચર્ચા કરવા મુખ્યપ્રધાનોની બેઠક યોજવાનું પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં રેલવે બોર્ડના વડા અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવે પણ તેમાં ભાગ લીધો હતો.
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટે દેખાતી દીધી તે પછી એટલે કે 24 ડિસેમ્બર પછીથી વડાપ્રધાન મોદીની આ પ્રથમ કોરોના સમીક્ષા બેઠક હતી. 24 ડિસેમ્બર પછીથી દેશમાં કોરોનાના કેસોમાં જંગી ઉછાળો આવ્યો છે. સેંકડો ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવતીકાલે ભારતમાં હેલ્થકેર વર્કર્સ અને સિનિયર સિનિઝનમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ગયા સપ્તાહે 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો.
બીજી તરફ દેશમાં સૌથી વધુ વસતિ ધરાવતા યુપી સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની આગામી ચૂંટણીને કારણે મહામારીને અંકુશમાં લેવાનો નવો પડકાર ઊભો થશે. યુપીમાં માત્ર 52 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. બીજા કેટલાંક રાજ્યોમાં પણ આવી સ્થિતિ છે. તેથી 90 ટકા વસતિને વેક્સિનને બંને ડોઝ આપવાનું મુશ્કેલ છે.
આરોગ્ય મંત્રાલયના રવિવારના ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,59,632 કેસ નોંધાયા હતા. તેનાથી દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.55 કરોડ થઈ હતી, જેમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 3,623 છે. ઓમિક્રોનનો આ સત્તાવાર આંકડો નીચો લાગે છે, કારણ કે દેશમાં પૂરતી જિનોમ ટેસ્ટિંગ માટેની લેબોરેટરી નથી. દેશનું આર-નોટ વેલ્યૂ (કોરોનાના ફેલાવાનો સંકેત આપતું) આ સપ્તાહે ચારના સ્તરે રહ્યું હતું, જે બીજી લહેરની પીક વખતના 1.69ના વેલ્યૂ કરતાં ઘણું વધારે છે.
કોરોના સામેની લડાઇ માટેની સરકારની મધ્યસ્થ એજન્સી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે સત્તાવાર રીતે ઓમિક્રોનને સૌથી વધુ ફેલાતો વેરિયન્ટ ગણાવ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે દિલ્હીમાં કોરોનાના નવા કેસો 22,000થી વધુ રહેવાની ધારણા છે. અહી ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટ આધારિત બીજી લહેરની પીક દરમિયાન 23 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના 26,000થી વધુ કેસ નોંધાયા હતા.
દેશમાં પોઝિટિવિટી રેટ વધીને 19.60 ટકા થયો છે. આ રેટ વધુ નિયંત્રણોની જરૂરિયાત દર્શાવે છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોરોના નિયમોનું પાલન કરશે તો લોકડાઉન લાદવામાં આવશે નહીં.