વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસ સંક્રમણના કારણે તમામ દેશોનું અર્થતંત્ર થંભી ગયું હતું. વિવિધ દેશોની લોકડાઉનની નીતિને કારણે પણ નાના-મોટા બિઝનેસને ગંભીર અસર થઇ હતી અને તેનાથી મોટું આર્થિક નુકસાન થયું હતું. પરંતુ કોરોનાકાળ દરમિયાન લોકોને સુરક્ષિત રાખવા દુનિયાભરમાં રસીની માગ ઉઠી હતી. તેના કારણે રસી બનાવનાર કંપનીઓને ખૂબ જ મોટી સંખ્યામાં રસીના ઓર્ડર મળ્યા હતા. અનેક દેશોમાં રસી બનાવનારી કંપનીઓએ બિલિયન્સ ડોલરમાં કમાણી કરી હોવાનું કહેવાય છે. ફાઈઝર અને મોર્ડના જેવી રસી નિર્માતા કંપનીઓનો નફો એક વર્ષમાં અનેક ગણો વધ્યો છે. હવે વિશ્વભરમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે બૂસ્ટર ડોઝ આપવાનું ઘણાં દેશોએ શરૂ કર્યું છે. તેના કારણે આ કંપનીઓ આ વર્ષે પણ બિલિયન્સ ડોલરનો નફો મેળવશે.
અમેરિકન ફાર્મા કંપની મોર્ડના 2010માં સ્થપાઈ હતી. આટલા વર્ષોમાં કંપની વિવિધ સંશોધનો કરતી હતી, પરંતુ કોરોનાની વેક્સિને તેને સફળ કંપની બનાવી છે. આ એક માત્ર પ્રોડક્ટ કંપનીના નામે બોલે છે. 2019-2020માં તો કંપની ખોટમાં ચાલતી હતી. 2020માં વેક્સિન શોધાઈ અને એ વેક્સિનના કારણે કંપનીએ એક જ વર્ષમાં આઠ બિલિયન ડોલરનો નફો કર્યો હતો.
જ્યારે અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઈઝર 173 વર્ષ જૂની છે. તેની સ્થાપના 1લી જાન્યુઆરી, 1849માં ચાર્લ્સ ફાઈઝર અને ચાર્લ્સ એફ ઈરહાર્ટે કરી હતી. કંપનીએ કોરોનાની રસી શોધી તે પહેલાં 2020માં તેનો નફો 80 લાખ ડોલરનો હતો. વેક્સિનના ડોઝ દુનિયાભરના દેશોએ ખરીદ્યા પછી 2021માં તેનો નફો વધીને 19 બિલિયન ડોલર થયો હતો. કંપનીના નફામાં એક જ વર્ષમાં 124 ટકાનો વધારો થયો હતો.
ફાઈઝરને કોરોના વેક્સિનનો એક ડોઝ 1 ડોલરમાં પડે છે. મોર્ડનાના ડોઝની પડકર કિંમત પણ એકથી બે ડોલર છે. કંપનીને એક ડોઝ પાછળ અંદાજે 140થી 150 રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં તમામ ખર્ચનો સમાવેશ થાય છે.
ફાઈઝરનો એક ડોઝ માર્કેટમાં 30 ડોલરમાં મળે છે. લોકોએ વેક્સિનના ડોઝની કિંમત ચૂકવવી નથી પડતી તેમ છતાં એક-એક ડોઝના દરેક દેશોની સરકારો અંદાજે 2000-2500 રૂપિયા ખર્ચે છે.
ફાઈઝરને એક ડોઝમાંથી 30 ગણો નફો થાય છે. તો મોર્ડનામાં પણ 25થી 30 ગણો નફો એક ડોઝમાંથી મેળવે છે. મોર્ડનાએ આફ્રિકન દેશો પાસેથી એક ડોઝના 30થી 42 ડોલર સુધીનો ભાવ વસૂલ્યો હતો.
આ અંગે કંપનીઓ કહે છે કે, તેમને રસીના સંશોધનમાં માતબર ખર્ચ કરવો પડે છે. કંપનીઓની દલીલો છે કે આર એન્ડ ડીમાં અસંખ્ય વિજ્ઞાાનિકો રાત-દિવસ મહેનત કરે છે. એમાં કંપનીના હજારો કર્મચારીઓ રોકાયેલા રહે છે અને તેના કારણે તેની કિંમત વધુ છે. પરંતુ હકીકત એ છે કે મોર્ડનાને બ્રિટિશ સરકારે 2.5 બિલિયન ડોલરનું ફંડ રસીના સંશોધન માટે આપ્યું હતું. તો ફાઈઝરને બ્રિટિશ સરકારે 20 લાખ ડોલરનું ફંડ આપ્યું હતું. બંને કંપનીઓને અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-ભારત જેવા દેશોએ એડવાન્સ રકમ આપી હતી એ અલગ.
એક અંદાજ પ્રમાણે રસી બનાવનાર વિશ્વની ટોચની કંપનીઓ એક સેકન્ડમાં એક હજાર ડોલરનો વકરો કરી રહી છે. નિષ્ણાતો માને છે કે આ કંપનીઓ એક વર્ષમાં 65 બિલિયન ડોલરનો નફો કરશે.