પ્રવાસી ભારતીય ટીમને વોન્ડરર્સ ખાતે ગયા સપ્તાહે રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટે હરાવી સાઉથ આફ્રિકાએ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ 1-1થી બરાબરીમાં લાવી દીધી હતી. ચોથી ઈનિંગમાં રેકોર્ડ રનચેઝ કરી યજમાન ટીમે 240 રનનો ટાર્ગેટ ફક્ત ત્રણ વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ટીમના વિજયમાં મહત્ત્વનું પ્રદાન કરનારા સુકાની ડીન એલ્ગરને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. બીજી ઈનિંગમાં તેણે એક છેડો બરાબર પકડી રાખ્યો હતો અને અણનમ 96 રન કર્યા હતા.
અહીં સુકાની લોકેશ રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પણ તેણે પોતે ઓપનર તરીકે કરેલી અડધી સદી સિવાય ટોચના ક્રમના બાકીના ભારતીય બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા અને ભારતની ઈનિંગ પહેલા જ દિવસે 64મી ઓવરમાં 202 રનમાં સમેટાઈ ગઈ હતી. રાહુલે 133 બોલમાં 50 રન કર્યા હતા. એના પછી રવિચન્દ્રન અશ્વિને સૌથી વધુ, 46 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેને ચાર તથા રબાડા અને ઓલિવિયરે 3-3 વિકેટ લીધી હતી.
તેના જવાબમાં ભારતીય બોલર્સે પણ પ્રભાવશાળી આક્રમણ સાથે સાઉથ આફ્રિકાને 80મી ઓવરમાં 229 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. કીગન પીટરસન 62 રન સાથે તેમનો શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો, તો બાવુમાએ 51 રન કર્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરી 18 ઓવરમાં 61 રન આપી સાત વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ભારતે થોડો સારો દેખાવ કરી 60.1 ઓવરમાં 266 રન કર્યા હતા, જેમાં પુજારાના 53 અને રહાણેના 58 રન મુખ્ય હતા. તે ઉપરાંત હનુમા વિહારીએ અણનમ 40 કર્યા હતા. જો કે, ભારતની શરૂઆત નબળી રહી હતી અને 44 રનમાં તો બન્ને ઓપનર્સ પેવેલિયનમાં પાછા ફરી ગયા હતા. એ પછી પુજારા અને રહાણેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 111 રન કર્યા હતા. એ બન્નેની વિદાય પછી વિહારી અને ઠાકુરે સાતમી વિકેટની ભાગીદારીમાં 41 રન કર્યા હતા. બાકીના બેટ્સમેને પણ અપેક્ષા કરતાં સારી બેટિંગ કરી ટીમને 266 રન સુધી પહોંચાડી હતી. ચોથી ઈનિંગમાં વોન્ડરર્સ ખાતે અગાઉ ક્યારેય 240 રન કરી વિજય મેળવ્યાનો રેકોર્ડ નહોતો. ત્રીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ ફક્ત બે વિકેટ ગુમાવી 118 રન તો કરી લીધા હતા. ચોથા દિવસે તેમના માટે બાકીનો ટાર્ગેટ એટલો મુશ્કેલ નહોતો પણ વરસાદના કારણે સવારના અને બપોરે લંચ પછીના સેશનની રમત ધોવાઈ ગઈ હતી.
એ પછી પણ ભારતીય બોલર્સ ખાસ કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા અને સાઉથ આફ્રિકાએ વધુ એક વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.