પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને મુદ્દે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના વડા રાકેશ ટિકૈતે ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકને કારણે કે પછી ખેડૂતોના ગુસ્સાને કારણે પંજાબમાં મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો હતો તે નક્કી કરવા એક તપાસ થવી જોઇએ. ટિકૈતે બુધવારે હિન્દીમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ કહે છે કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકને કારણે ફિરોજપુરમાં ચૂંટણીસભા રદ થઈ હતી, જ્યારે પંજાબના મુખ્યપ્રધાન દાવો કરી રહ્યા છે કે ચૂંટણીસભામાં ખાલી ખુરશીઓને કારણે પીએમ પાછા જતાં રહ્યાં હતા. હવે એ મુદ્દાની તપાસ થવી જોઇએ કે સુરક્ષામાં ખામી હતી કે ખેડૂતોનો ગુસ્સો હતો.
કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સરહદો પર આંદોલન કરનારા બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા ટિકૈત હાલમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પોતાના વતન મુઝફ્ફરનગરમાં છે. વડાપ્રધાન મોદી પંજાબમાં બુધવારે એક ચૂંટણીસભામાં યોજવાના હતા. તેઓ ભટિન્ડા આવ્યા હતા અને ત્યાંથી હુસૈનીવાલા જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરની જગ્યાએ રોડ માર્ગે જઈ રહ્યાં હતા ત્યારે મોદીનો કાફલો 15થી 20 મિનિટ માટે પ્રદર્શકારીઓની વચ્ચે ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક ગણાવી હતી. આ ઘટના અંગેના પંજાબના સીએમ ચરણજિત સિંહ ચન્નીએ ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ દાવો કર્યો હતો કે ભાજપની રેલીમાં 70,000 ખુરસી મૂકવામાં આવી હતી, પરંતુ માત્ર 700 લોકો આવ્યા હતા, તેમાં હું શું કરી શકું.