પ્રતિક તસવીર

2 સપ્ટેમ્બરના રોજ, એડિનબરાના લોકપ્રિય શિખર આર્થર્સ સીટ પરથી પડી જતા મરણ પામેલી 31 વર્ષની ફવઝિયા જાવેદ નામની સોલીસીટરના પતિ કાશિફ અનવર (ઉ.વ. 27) ઉપર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કાશિફ સપ્ટેમ્બરમાં એડિનબરા શેરિફ કોર્ટમાં ટૂંકી સુનાવણી માટે હાજર થયો હતો અને તેણે કોઈ અરજી કરી નહોતી.

ફવઝિયા જાવેદની માતા યાસ્મીને કહ્યું હતું કે ‘’ફવઝિયાના મોતને પગલે અમારી દુનિયા પડી ભાંગી છે. મારા એકમાત્ર સંતાનના મૃત્યુથી પરિવારના જીવનમાં કશું બાકી રહ્યું નથી. હું અને મારો પતિ, મોહમ્મદ, છેલ્લા ત્રણ મહિનામાં જીવતા રહ્યાં નથી. મને લાગે છે કે હું એક દુઃસ્વપ્નમાં અટવાઈ ગઈ છું જેમાંથી હું ક્યારેય જાગીશ નહીં.’’

પુત્રીના મૃત્યુએ તેણીના સમુદાયને “હચમચાવી નાખ્યો” હતો અને પરિવારને “આઘાત”માં મૂક્યો હતો. વેસ્ટ યોર્કશાયરના પુડસેની ફવઝિયાએ યુનિવર્સિટી ઓફ શેફિલ્ડમાંથી સ્નાતક થયા પછી સોલિસિટર તરીકે કામ કર્યું હતું અને મોટાભાગનો મફત સમય ઘરવિહોણા માટે ઇનટચ ફાઉન્ડેશન, યુવાનોને ટેકો આપતી સંસ્થા મોઝેક, ગરીબોને રાહત આપતી પેની અપીલ અને સીટીઝન ઓડવાઇઝરી બ્યુરો સહિતની સખાવતી સંસ્થાઓને સમર્થન આપવા માટે વિતાવ્યો હતો.