ઝારખંડના પકુર જિલ્લામાં બુધવારે બસ અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 16 વ્યક્તિના મોત થયા હતા અને બીજા 26થી વધુ મુસાફર ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તમાંથી ત્રણની હાલત ગંભીર હતી અને મૃત્યુઆંકમાં વધારો થવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરનું પરિવહન કરતી ટ્રક તેની સામે આવી રહેલી બસ સાથે અથડાતા સવારે 8.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગ એકબીજામાં ઘુસી ગયા હતા. બસ અને ટ્રક બંને પુરપાટ ઝડપથી જઈ રહ્યાં હતા. પોલીસને આશંકા છે કે આ વિસ્તારમાં ભારે ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક પોલીસના જણાવ્યું હતું કે 40 મુસાફરો ભરેલી બસ સાહિબગંજ જિલ્લાના બરહારવાથી દેવઘર જિલ્લાના જેસિદિહ ખાતે જઈ રહી હતી. પકુરના સિવિલ સર્જન આરડી પાસવાને જણાવ્યું હતું કે આ અકસ્માતનો મૃત્યુઆંક વધીને 16 થયો છે. તેમાં 26 ઘાયલ છે અને ત્રણની હાલત ગંભીર છે. એક ઇજાગ્રસ્તને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં મોકલવામાં આવ્યા હતા અને બીજા વ્યક્તિને શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા અને બસને ગેસ કટરથી કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રકના આગળના ભાગ એકબીજામાં ઘુસી ગયા હતા. બસ અને ટ્રક બંને પુરપાટ ઝડપથી જઈ રહ્યાં હતા. પોલીસને આશંકા છે કે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ ગેસ સિલિન્ડર ફાટ્યું ન હતું. જો ગેસ સિલિન્ડર ફાટ્યું હોત તો મૃત્યુઆંકમાં મોટો વધારો થયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે ઇજાગ્રસ્ત મુસાફરોની યોગ્ય સારવાર કરવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપ્યા હતા.