પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકનો બનાવ સામે આવ્યો હતો. વડાપ્રધાન મોદી પંજાબની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ રોડ માર્ગે હુસૈનીવાલા જઈ રહ્યા હતા તે સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીનો કાફલો ત્યાં 15-20 મિનિટ સુધી રોકાઈ રહ્યો હતો. આ ઘટનાને મોદીની સુરક્ષામાં મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે અને ગૃહ મંત્રાલયે આ મામલે પંજાબ સરકાર પાસે રિપોર્ટની માગણી કરી છે.
મોદી ભટિંડા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે વડાપ્રધાને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. હવામાનમાં કોઈ સુધારો ન આવતાં આખરે તેમણે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય શહીદ સ્મારકથી આશરે 30 કિમી દૂર વડાપ્રધાન મોદીનો કાફલો જ્યારે ફ્લાઈઓવર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી રાખ્યો હતો. આ કારણે મોદીના કાફલાએ 15-20 મિનિટ સુધી ફ્લાઈઓવર પર રોકાઈ રહેવું પડ્યું હતું.