બ્યુટી ક્વીનમાંથી અભિનેત્રી બનેલી મુગ્ધા ગોડસેએ અત્યાર સુધી ‘ફેશન’, ‘ઓલ ધ બેસ્ટ’, ‘જેલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે તે ‘ગિલ્ટ’ની હિન્દી વેબસીરિઝમાં કામ કરી રહી છે.
આ વેબસીરિઝનું દિગ્દર્શન શાદ અલી પાસે છે. તેમાં જયદીપ અહલાવત અને મોહમ્મદ જીશાન મુગ્ધા સાથે સહકલાકારની ભૂમિકામાં છે. આ વિશે મુગ્ધા કહે છે કે, થોડા સમય પહેલાં જ અમે ઉટી ખાતે તેનું શૂટિંગ કર્યું હતું. તેમાં મને બહુ સરસ ભૂમિકા ભજવવાની તક મળી છે. જોકે હાલના તબક્કે હું તેના વિશે વધુ કાંઇ કહી શકું તેમ નથી. પણ એક વાત ચોક્કસ છે કે, મૂળ સીરિઝને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અને આ સીરિઝ પણ તેમને ચોક્કસ પસંદ પડશે. તેના સિવાય પણ હું ઓટીટી માટે અન્ય એક સીરિઝ કરી રહી છું. ‘ક્રાઇમ ટુ રિમેમ્બર’નામની આ સીરિઝ સત્ય ઘટના પર આધારીત છે. અમે તેનું શૂટિંગ મુંબઇ અને લખનઉમાં કર્યું હતું. મને ખાતરી છે કે આ બંને શો દર્શકોને પણ ખૂબ ગમશે.’
મુગ્ધા ઓટીટી પ્લેટફોર્મ માટે અને ફીચર ફિલ્મો માટે જુદા પ્રકારના પાત્રો ભજવે છે. તેનું કારણ આપતાં તે કહે છે કે, બંને મંચ એકમેક કરતાં તદ્ન અલગ છે. એ વાત જુદી છે કે હવે લોકો ઓટીટી પર દરેક પ્રકારનું મનોરંજન આસાનીથી મેળવી શક્તા હોવાથી પોતાની સુવિધા અનુસાર ફિલ્મો કે વેબ શોઝ જૂએ છે. પરંતુ મોટા પડદા પર મૂવી જોવાની મઝા જ જુદી હોય છે એ વાત તો કબૂલ કરવી જ રહી. હા, જ્યાં સુધી એક કલાકાર તરીકે મારી ભૂમિકાઓ ભજવવાની વાત છે ત્યાં સુધી હું કયા માધ્યમ માટે કામ કરી રહી છું તેનાથી મને કોઇ ફરક નથી પડતો. મને ઉત્તમ પાત્રો ભજવવા છે. અને બંને માધ્યમો માટેના મારા કિરદારો માટે હું એકસમાન મહેનત કરું છું. મુગ્ધા અભિનેતા રાહુલ દેવ સાથે લિવ ઇન રિલેશનશીપમાં છે. મહત્વની વાત એ છે કે ખુલ્લી વિચારસરણી ધરાવતાં યુવકો અને યુવતીઓ તેમને આદર્શ યુગલ માને છે.