રિલાયન્સ સાથે ફ્યુચર ગ્રૂપના સોદા સામે એમેઝોન ચાલુ કરેલી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની કાર્યવાહીને રદ કરવા અંગેની ફ્યુચર ગ્રૂપની બે અરજીને દિલ્હી હાઇ કોર્ટે ફગાવી દીધી છે. એમેઝોને રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચેના સોદા સામે વાંધો ઉઠાવ્યો છે અને ટ્રિબ્યુનલમાં કેસ કર્યો છે. આ ટ્રિબ્યુનલની કાર્યવાહી રદ કરવા ફ્યુચર ગ્રૂપે તેની અરજીમાં વિનંતી કરી હતી.
ફ્યુચર કુપન્સ પ્રાઇવેટ લિમિટેડ (FCPL) અને ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)એ દાખલ કરેલી પિટિશન અંગે જસ્ટિસ અમિત બંસલે જણાવ્યું હતું કે બંને પિટિશન રદ કરવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે આર્બિટ્રેશન કાર્યવાહીમાં દખલગીરી કરવાનું કામ કોર્ટનું નથી. હાલની પિટિશનનમાં દરમિયાનગીરી માટે કોઇ નક્કર કારણો પણ આપવામાં આવ્યા નથી.
ટ્રિબ્યુનલ સમાન તકના સિદ્ધાંતનો ભંગ કરતી હોવાની ફ્યુચર રિટેલની દલીલને ફગાવી દેતા કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમદર્શીય રીતે લાગે છે કે ટ્રિબ્યુશનલ આવું કરી રહ્યું નથી.
આ સમગ્ર મુદ્દો ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સ ગ્રૂપ વચ્ચે થયેલા રૂ.24,500 કરોડના સોદા અંગેનો છે. આ સોદામાં ફ્યુચર ગ્રૂપે તેનો રિટેલ બિઝનેસ રિલાયન્સને વેચવાની ડીલ કરી હતી. અમેઝોને આ ડીલ સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે એમેઝોનને પણ ફ્યુચર ગ્રૂપમાં રોકાણ કરેલું હતું. એમેઝોન ઓક્ટોબર 2020માં ફ્યુચર ગ્રૂપને સિંગાપોર ઇટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં ઢસડી ગઈ હતી. સિંગાપોર કોર્ટે એમેઝોનને તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે આ પછી કેસમાં નવો વળાંક આવ્યો હતો. ભારતના સ્પર્ધા પંચે જણાવ્યું હતું કે ફ્યુચર અને એમેઝોન વચ્ચેની સમજૂતી ફ્રોડ આધારિત હતી અને તે આ સમજૂતીને રદ કરે છે.
ફ્યુચર રિટેલ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહગતીએ જણાવ્યું હતું કે સ્પર્ધા પંચે એમેઝોન-ફ્યુચર ગ્રૂપ વચ્ચેની સમજૂતી અટકાવી દીધી છે, તેથી ફ્યુચર-રિલાયન્સ સોદામાં એમેઝોનને વાંધો ઉઠાવવાનો કોઇ હક નથી. તેથી એમેઝોનને આ આર્બિટ્રેશન પ્રક્રિયાને બંધ કરવામાં આવે છે.
ડિસેમ્બરમાં સ્પર્ધા પંચે ફ્યુચર ગ્રૂપની કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદવાની એમેઝોન માટેની મંજૂરીને સસ્પેન્ડ કરી દીધી હતી અને આ ઇ-કોમર્સ કંપની સામે 202 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી.