ભારતમાં 15થી 17 વર્ષના બાળકો માટેના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સોમવારે કુલ 40 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી. વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટેના સરકારના એપ્સ CoWin ડેટા પ્રમાણે સોમવારે 40 લાખથી વધુ ટીનેજર્સે વેક્સિન લીધી હતી. 15થી 17 વર્ષની વયજૂથમાં કુલ 7.4 કરોડ બાળકો છે. સોમવારે વેક્સિન લેનારા મોટા ભાગના બાળકો અને માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ ક્યારના આની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેઓ રાહત અનુભવી રહ્યા છે કેમ કે હાલમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે આપણે કોરોના સામે આપણા યુવાધનની સુરક્ષા માટે મહત્વનું પગલું લીધું છે. 15થી 18 વર્ષની વયજૂથના મારા તમામ યુવાન મિત્રોને અભિનંદન. તેમના માતા-પિતાને પણ અભિનંદન. હું અપીલ કરું છું કે આગામી દિવસોમાં વધુને વધુ યુવાનો વેક્સિન લે.