બોલિવૂડના પીઢ એક્ટર પ્રેમ ચોપરા અને તેમનાં પત્ની ઉમા ચોપરા સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તsને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓની તબિયતમાં ધીરે-ધીરે સુધારો જોવા મળી રહ્યો છે. એક્ટર પ્રેમ ચોપરાની ઉંમર 86 વર્ષ છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. પ્રેમ ચોપરા અને તેમનાં પત્નીને એકથી બે દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. તેઓ બંનેને મોનોક્લોનલ એન્ટિબૉડી કૉકટેલ આપવામાં આવ્યું હતું.
મુંબઈની મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોમાં સેલિબ્રિટીઝ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છે. નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, રાહુલ રવૈલ બાદ હવે એક્ટર જોન અબ્રાહમ અને તેની પત્નીને પણ કોરોના થયો છે. જોન અબ્રાહમે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “3 દિવસ પહેલા મારી એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને તે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મને પાછળથી મળી હતી. હું અને પ્રિયા કોરોના સંક્રમિત થયા છીએ. અમે ઘરે ક્વોરન્ટિન થયેલા છીએ એટલે બીજા કોઈના સંપર્કમાં આવ્યા નથી. અમે બંનેએ રસી લીધેલી છે અને હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. સૌ તંદુરસ્ત અને સ્વસ્થ રહેજો. માસ્ક પહેરજો.”