હવામાન વિભાગે ગુજરાત કેટલાંક વિસ્તારોમાં 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં અત્યાર સુધી 3 વખત કમોસમી વરસાદ થયો છે, ત્યારે સતત ચોથી વખત શિયાળામાં માવઠાંની દહેશત ઉભી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ દિવસો દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.
છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનને કારણે ઠડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે, શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. આગામી બેથી 3 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. કમોસમી વરસાદથી જીરુ, વરિયાળી, શાકભાજી અને બાગાયતી પાકોમાં રોગચાળો આવવાનો ભય ઉભો થતા ખેડૂતોની ચિંતા વધી હતી.