કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે આંશિક લોકડાઉન જેવા આકરા નિયંત્રણોની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નાણાકીય રાજધાની મુંબઈની ફ્લાઇટ્સ પર નિયંત્રણો લાદ્યા છે અને યુકેની ફ્લાઇટ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે.

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય સચિવ એચ કે દ્રિવેદીએ જાહેરાત કરી હતી “અમે હંગામી ધોરણે યુકેની તમામ ફ્લાઇટને સસ્પેન્ડ કરી છે. નોન રિસ્ક દેશોમાંથી આવતા મુસાફરો માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વ્યક્તિ પોઝિટિવ આવશે તો તેનો આરટી-પીસીઆર ટેસ્ટ થશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે યુકેથી આવતા મુસાફરો દેશના વિવિધ શહેરોમાં ઉતરીને પશ્ચિમ બંગાળ માટે ફ્લાઇટ કે ટ્રેન પકડી શકે છે.