માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 12 યાત્રાળુઓના મોતના એક દિવસ બાદ જમ્મુ એન્ડ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહના વડપણ હેઠળ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડની રવિવારે બેઠક યોજાઈ હતી. જમ્મુમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં મંદિર બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ કુમારે સહિતના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
આ બેઠક બાદ શ્રેણીબદ્ધ ટ્વીટમાં મનોજ સિંહાએ જણાવ્યું હતું કે ભક્તોની સુરક્ષા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યા છે. મહત્ત્વની સમીક્ષા બાદ જરૂર હોય ત્યાં ફિઝિકલ અને સિસ્ટેમેટિક સુધારાના આદેશ આપવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાશે અને ઓનલાઇન બુકિંગ 100 ટકા થશે.
સિંહાએ જણાવ્યું હતું કે સમગ્ર ટ્રેકને ભીડ મુક્ત કરવાના, ભીડ અને કતારના અસરકારક અંકુશ માટે યોગ્ય ટેકનોલોજીના ઉપયોગ, આરએફઆઇડી ટ્રેકિંગ સહિતના પગલાં લેવામાં આવ્યા છે. આ પગલાંના અમલીકરણ પર બોર્ડના સભ્યો દેખરેખ રાખશે. તેમણે નાસભાગમાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના નજીકના સગાને રૂ.5 લાખની વધારાની સહાયની પણ જાહેરાત કરી હતી. અગાઉ મૃતકોના પરિવારને રૂ.10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન વૈષ્ણોદેવીની ઘટનાની તપાસ કરી રહેલી ઉચ્ચસ્તરીય સમિતિએ જાહેર જનતાને આ ઘટનાનો કોઇ વીડિયો હોય તો તે સુપરત કરવા અથવા નિવેદન રેકોર્ડ કરવા માટે અનુરોધ કર્યો હતો. સમિતિના સભ્ય અને જમ્મુ ડિવિઝન કમિશનર રાઘવ લંગરે આ અંગે જાહેર નોટિસ જારી કરી હતી.
આ પ્રખ્યાત યાત્રાધામમાં શનિવારે મોડી રાત્રે બે ગ્રૂપ વચ્ચે થયેલી બોલાચાલી બાદ ભીડની અચાનક ભાગદોડમાં 12 યાત્રીના મોત થયા હતા અને ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ (ગૃહ) શાલીન કાબરના વડપણ હેઠળની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ રવિવારે મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ સમિતિ એક સપ્તાહમાં તેનો તેનો રિપોર્ટ સુપરત કરશે.