ગુજરાતમાં ગૂડ ગવર્નન્સ વીકની ઉજવણીના ભાગરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 31 ડિસેમ્બરે રાજકોટમાં એક રોડ શો યોજ્યો હતો. ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે જાજરમાન રોડ શો કરવામાં આવ્યો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધતી જોવા મળી હતી. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળ્યા હતા. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે 100થી વધુ કારનો કાફલો જોવા મળ્યો હતો તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.
એરપોર્ટ પર મુખ્યપ્રધાનને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના મોટી સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં હતા. રોડ શોમાં લોકોએ મુખ્યપ્રધાન પર ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો હતા. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.