યુકેની અગ્રણી નાણાકીય સંસ્થાઓમાં એક સાન્ટેન્ડર બેન્કે 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેએ 75,000 ગ્રાહકોના ખાતામાં ભૂલથી 130 મિલિયન પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. હવે તે તેને પરત મેળવવા માટેની કવાયત હાથ ધરી હતી. ટેકનિકલ ખામીને લીધે બેન્ક ખાતાના પેમેન્ટ્સનું ડુપ્લિકેશન થયું હતુ. 75,000 વ્યક્તિઓ અને કંપનીઓને 25 ડિસેમ્બરે બેન્ક ખાતામાં બે વખત રકમ મળી હતી.
આ વ્યક્તિઓ અને કારોબારીઓને એક પેમેન્ટ તો મળી જ ગયું હતું. બીજુ પેમેન્ટ સીધું બેન્કની અનામતોમાંથી ચૂકવાયું હતું. એચએસબીસી, નેટવેસ્ટ વગેરે બેન્ક ખાતામા નાણા ગયા તેની રિકવરી અત્યંત મુશ્કેલ છે.
આ બેન્કોએ જણાવ્યું હતું કે તેમને ડર છે કે તેમના કેટલાક ખાતાધારકોએ આ રીતે આવેલા નાણા ખર્ચી પણ નાખ્યા હશે. પે યુકે જે યુકેની મુખ્ય પેમેન્ટ સિસ્ટમ્સમાં એક છે તે સાન્તેન્ડર બેન્ક સાથે આ મુદ્દાની ચર્ચા કરી રહી છે. બેન્કે આ રીતે ભૂલથી મોકલાયેલી રકમ પરત મેળવવા જોરશોરથી કવાયત આદરી છે. આ માટે તે બીજી બેન્કો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક સાધી રહી છે.
બેન્કના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને દિલગીરી છે કે અમારા કેટલાક કોર્પોરેટ ક્લાયન્ટનું પેમેન્ટ ટેકનિકલ ભૂલના લીધે ડુપ્લિકેશન થયું છે. અમે આ ડુપ્લિકેટેડ પેમેન્ટ ઓળખી કાઢ્યા છે અને તેને તરત જ પરત મેળવી રહ્યા છીએ અને આ ભૂલ સુધારી રહ્યા છીએ. ગ્રાહકો અને તેમને મળેલા પેમેન્ટનો હેતુ જુદો-જુદો હતો, પરંતુ તેમા વેતનો કે સપ્લાયરના પેમેન્ટ્સનો સમાવેશ થયો હોઈ શકે, એમ તેમણે ઉમેર્યુ હતું.
જો કે આ બેન્ક કંઈ આ પહેલી વખત વિવાદમાં આવી છે તેવું નથી. આ વર્ષે મેના મધ્યમાં બેન્કે ટેકનિકલ અવરોધના લીધે તેના ગ્રાહકો સમગ્ર દિવસ દરમિયાન પેમેન્ટ કરી શક્યા ન હતા તે બદલ માફી માંગવી પડી હતી. ઓગસ્ટમાં હજારો ગ્રાહકો બીજા કોઈ કારણના લીધે તેમનું ખાતુ જ ઓનલાઇન એક્સેસ કરી શકતા ન હતા. બેન્કના કુલ 1.4 કરોડ ગ્રાહકો છે અને યુકેમાં તેની 400 બ્રાન્ચ છે.