ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસમાં સેન્ચુરીઅન ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રનથી શાનદાર વિજય મેળવી એક વધુ ઈતિહાસ સર્જ્યો હતો. સામાન્ય રીતે સાઉથ આફ્રિકાનો ગઢ ગણાતા સેન્ચુરીઅનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં એક આખા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગયા છતાં ભારતે અહીં સૌપ્રથમવાર વિજય હાંસલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમને ભારતે પહેલી ઈનિંગમાં 197 રનમાં ઓલઆઉટ કરી હતી. બીજી ઈનિંગમાં પણ સાઉથ આફ્રિકા 191 રનમાં ખખડી ગયું હતું.
ભારતે પહેલી ઈનિંગમાં ઓપનર કે. એલ. રાહુલની શાનદાર સદી (123) અને મયંક અગ્રવાલની અડધી સદી (60) સાથે 327 રન કર્યા હતા. અજિંક્ય રહાણેએ 48 અને સુકાની કોહલીએ 35 રનનો ફાળો આપ્યો હતો. એન્ગિડીએ સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં ભારતે યજમાન ટીમને 197માં ઓલઆઉટ કરી હતી. ટેમ્બા બાવુમા 52 રન સાથે તેમનો ટોપ સ્કોરર રહ્યો હતો, તો ભારત તરફથી મોહમદ શમીએ 44 રનમાં પાંચ વિકેટ લીધી હતી. આ રીતે, પહેલી ઈનિંગમાં 130 રનની સરસાઈ ભારતને મળી હતી, જે અંતે ખૂબજ નિર્ણાયક સાબિત થઈ હતી. બીજી ઈનિંગમાં ભારત પણ કઈં ખાસ કરી શક્યું નહોતું અને ફક્ત 174 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી. રબાડા અને જેન્સને 4-4 તથા એન્ગિડીએ બે વિકેટ લીધી હતી.
આ રીતે, વિજય માટે 305 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ ચોથી ઈનિંગમાં રેકોર્ડ કરવાનો હતો, પણ તે 191 રનમાં તેનો સંકેલો થઈ ગયો હતો. ભારત તરફથી બુમરાહ અને શમીએ 3-3 તથા સિરાજ અને રવિચન્દ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગની સદીના આધારે રાહુલને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ભારત સેન્ચુરીઅનમાં ટેસ્ટ મેચ જીતનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો.ભારત ક્યારેય સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. સાઉથ આફ્રિકા આ મેદાન પર રમાયેલી 27માંથી 21 ટેસ્ટ જીત્યું હતું. આ અગાઉ સેન્ચુરીઅનમાં 2000માં ઈંગ્લેન્ડે અને 2014માં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમને હરાવી હતી.