બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયના વિંડસર કાસલમાં એક ગિલોલધારી 19 વર્ષીય યુવકે બિનઅધિકૃત રીતે પ્રવેશ કરતા તેની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવકના ભારતીય મૂળના પિતાએ પરિવાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી.
યુવકના 58 વર્ષીય પિતા જસબીર ચૈલએ જણાવ્યું હતું કે, ક્રિસમસના દિવસે તેમનો પુત્ર જસવંત જ્યારે સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડસ્થિત બર્કશાયરમાં કાસલની દિવાલ પર ચઢ્યો ત્યારે તેણે મદદ માટે કહ્યું હતું. તે વખતે 95 વર્ષીય રાણી તેમના મહેલમાં જ હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક બુકાનીધારી વ્યક્તિ, જેણે પોતાની ઓળખ ભારતીય શીખ જસવંત સિંઘ ચૈલ તરીકે આપી હતી, તેણે અમૃતસરમાં થયેલા જલિયાંવાલા હત્યાકાંડનો બદલો લેવા માટે રાણીની હત્યા કરવા ઇચ્છતો હતો તેવું જણાવ્યું હતું.
એક અખબારી અહેવાલમાં જસબીરના હવાલે જણાવવામાં આવ્યું છે કે, ‘અમારા પુત્ર સાથે ભયંકર ખોટુ થયું છે અને અમે તેને તપાસવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને તેની સાથે વાત કરવાની તક નથી મળી પરંતુ તેને જરૂરી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ખૂબ જ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. અમે આ મુદ્દાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે સરળ પણ નથી.’
અખબારી અહેવાલ મુજબ, આ શંકાસ્પદ યુવકના માતા-પિતા એક આઇટી કંપનીના રજિસ્ટર્ડ ડાયરેક્ટર છે. તેઓ પોતાના પુત્ર અને જોડિયા દીકરીઓ સાથે હેમ્પશાયરમાં રહે છે. તેમના ઘરે પોલીસ અધિકારીઓ પણ જોવા મળ્યા હતા.
ટોયન્બી સ્કૂલમાં આ કિશોર સાથે અગાઉ અભ્યાસ કરનારી એક પૂર્વ વિદ્યાર્થિનીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેની વિચારધારા વંશીય નહોતી. તેના પર લોકડાઉનની અસર પહોંચી છે કે અન્ય કોઇ બાબતની, તેની મને ખબર નથી.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જાહેર સુરક્ષા જાળવી રાખવા માટે અમે સંબંધિત તમામ કાયદાની સમીક્ષા કરી રહ્યા છીએ.