વીમા પોલિસીહોલ્ડરે દરખાસ્ત ફોર્મમાં ઉલ્લેખ કરી હોય તેવી હાલની મેડિકલ સ્થિતિને આધારે વીમા કંપની વીમાના દાવાનો ઇનકાર કરી શકે નહીં. વીમા પોલિસી જારી થઈ ગયા બાદ વીમા કંપનીને દાવાનો ઇનકાર કરવાનો આવો હક નથી, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને બી વી નાગરથનાની બનેલી ખંડપીઠે એવું પણ જણાવ્યું હતું કે વીમા પોલિસીની દરખાસ્ત કરનાર વ્યક્તિએ તેના જ્ઞાન હેઠળ આવતી તમામ હકીકતો વીમા કંપની સમક્ષ જાહેર કરવી જોઇએ. દરખાસ્તકર્તા સૂચિત વીમા સંબંધિત તમામ તથ્યો અને સંજોગોની જાણકારી ધરાવે છે તેવું માની લેવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે દરખાસ્તકર્તા માત્ર પોતે જાણતા હોય તેની જ માહિતી આપી શકે છે, પરંતુ દરખાસ્તકર્તાની ફરજ માત્ર તેની વાસ્તવિક માહિતી પૂરતી સીમિત નથી, તેમાં એવી નક્કર હકીકતોનો પણ સમાવેશ થાય છે કે જે બિઝનેસના સામાન્ય સંજોગોમાં જાણકારી મેળવવી આવશ્યક હોય છે.
કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પોલિસીહોલ્ડરની મેડિકલ સ્થિતિની ચકાસણી કર્યા બાદ પોલિસી જારી થયા બાદ વીમા કંપની એવી હાલની મેડિકલ સ્થિતિને આધારે દાવાનો ઇનકાર કરી ન શકે, કે જેનો દરખાસ્ત ફોર્મમાં ઉલ્લેખ થયેલો છે અને પોલિસીના જોખમોમાં તેનો સમાવેશ થયેલો હોય.
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC)ના એક આદેશ સામેની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. મનમોહન નંદાએ અમેરિકામાં થયેલા મેડિકલ ખર્ચના કરેલા દાવાને વીમા કંપનીએ ફગાવો દીધો હતો. ગ્રાહક પંચે પણ અરજી ફગાવી દીધી હતી. નંદાએ ઓવરશીઝ મેડિક્લેમ બિઝનેસ એન્ડ હોલિડે પોલિસી ખરીદી હતી, કારણ કે તેઓ અમેરિકાનો પ્રવાસ કરવા માગતા હતા.