પંજાબના જીડીપી સિદ્ધાર્થ ચટોપાધ્યાયે જણાવ્યું હતું કે લુધિયાના કોર્ટ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બરખાસ્ત હેડ કોન્સ્ટેબલ ખાલિસ્તાની તત્વો અને આતંકી જૂથો સાથે લિન્ક ધરાવતો હતો. આ બ્લાસ્ટમાં પાકિસ્તાન સ્થિતિ જૂથોની સંડોવણી હોવાની આશંકા છે. 2019માં પોલીસમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ગગનદીપ સિંહ બોમ્બ એસેમ્બલ કરવા અને પ્લાન્ટ કરવા કોર્ટના વોશરુમમાં ગયો હતો. બોંબ વિસ્ફોટ થયો ત્યારે તે વોશરુમમાં એકલો હતો. ડ્રગ કેસોમાં ગગનદીપને બરખાસ્ત કરવામાં આવ્યો હતો. તે બે વર્ષ જેલમાં રહ્યો હતો અને પછી જામીન પર બહાર આવ્યો હતો. જેલમાં તે આતંકી જૂથોના સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે.પ્રાથમિક તપાસને આધારે જીડીપીએ જણાવ્યું હતું કે ગગનદીપ પંજાબ અને વિદેશમાં રહેલા ખાલિસ્તાની તત્વો, આતંકી જૂથો, માફિયા ગ્રૂપ અને નાર્કોટિક્સ સ્મગલર્સ સાથે લિન્ક ધરાવતો હતો.