ભારતીય મૂળના બિલિયોનેર અને પીઢ ઉદ્યોગપતિ લોર્ડ (સ્વરાજ) પોલ 90 વર્ષની ઉંમરે યુકેના ઉત્પાદનમાં પાછા ફરવા યુકેમાં “નોંધપાત્ર” મેન્યુફેક્ચરિંગ ઑપરેશન ખરીદવાનું વિચારી રહ્યા છે અને યોગ્ય કંપની પર મિલિયન્સ પાઉન્ડ ખર્ચવાનો ઇરાદો ધરાવે છે.
હંટિંગ્ડન આધારિત નેચરલ ગેસ ટ્યુબ શરૂ કરવા માટે £5,000 ઉછીના લઈને, શ્રી પૉલે 1968માં યુકેમાં તેમના પ્રથમ બિઝનેસની સ્થાપના કરી. જો કે, તેમની લગભગ તમામ કામગીરી હવે યુએસ, કેનેડા, ભારત અથવા સંયુક્ત આરબ અમીરાતમાં છે.
લોર્ડ પૉલે કહ્યું હતું કે “બ્રિટન 50 કરતાં વધુ વર્ષોથી મારું ઘર છે અને હું ખરેખર અહીં ફેક્ટરી ન હોવાનું ચૂકી ગયો છું. આગામી મહિનાઓમાં સંપાદન પૂર્ણ કરવાની આશા રાખુ છું. મારા જીવનના આ તબક્કે, તમારે જે જોઈએ છે તે કરવું પડશે – અને તે પણ ઝડપથી કરો”.
પૉલનું ઔદ્યોગિક જૂથ કેપારો સામાન્ય રીતે ઓટોમોટિવ ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રો માટે ટ્યુબ, પાઈપ અને અન્ય સરસામાન બનાવે છે અને વાર્ષિક £250 મિલિયનથી વધુનો નફો કમાય છે. જોકે પૉલ તેમની અંદાજિત £2 બિલિયન સંપત્તિમાંથી અમુક રકમ પ્રોજેક્ટમાં ઠાલવવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ આ ખરીદી માટે મોટાભાગે લૉન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. તેઓ તેમના લંડન બેઝથી 150 માઇલની અંદરની સાઇટ્સ પર વિચાર કરી રહ્યા છે.