છેલ્લાં ચાર વર્ષમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં 70 ગણો ઉછાળો આવ્યો હોવા છતાં ભારતમાં હજુ પણ કેશ ઇઝ કિંગ છે. કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી લોકો ઇમર્જન્સીના હેતુઓ માટે રોકડ ભંડોળનો સંગ્રહ કરી રહ્યાં છે.
બજારમાં ફરતી રોકડ રકમનું મૂલ્ય આ વર્ષે રૂ.29 લાખ કરોડના આંકે પહોંચ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે હાલ સિસ્ટમમાં રોકડ આશરે રૂ.28,26,863 કરોડની છે, જે 2020ના રૂ.24,20,975 કરોડની સરખામણીમાં 16.7 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે રોકડ માટેની લોકોની વધુ માગ અને જીડીપીમાં ઘટાડાને કારણે ચલણમાં રહેલી રોકડ 2020-21ના નાણાકીય વર્ષમાં જીડીપીના 14.5 ટકા થઈ હતી. જોકે વાર્ષિક ધોરણે સિસ્ટમમાં રહેલી કેશ નવેમ્બર 2021ના રોજ ઘટીને 7.9 ટકા થઈ હતી, જેમાં ગયા વર્ષે મહામારીને કારણે 22.2 ટકાનો ઉછાળો આવ્યો હતો.
પ્રધાને જણાવ્યું હતું કે ચલણની માગને આર્થિક વૃદ્ધિ અને વ્યાજદર જેવા કેટલાંક આર્થિક પરિબળો અસર કરે છે. કોરોના મહામારીને કારણે અનિશ્ચિતતા ઊભી થઈ હતી અને તેનાથી સાવચેતીના પગલાં રૂપે 2020-21ના નાણાકીય વર્ષમાં કેશની માગ વધી હતી. જોકે એસબીઆઇ ઇકોરેપના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે બજારમાં ચલણનું પ્રમાણ 2021-22માં જીડીપીના આશરે 13.1 ટકા રહેવાની ધારણા છે.
એસબીઆઇની રિસર્ચ ટીમના અહેવાલમાં જણાવાયું હતું કે અમારા અંદાજ મુજબ મહામારીને કારણે 2020-21ના નાણાકીય વર્ષના પ્રારંભથી લોકોએ સાવચેતીના પગલાં તરીકે રૂ.3.3 લાખ કરોડની રોકડ રકમ સંઘરી હોવાની ધારણા છે. જો આપણે આવા કરન્સી ટ્રાન્ઝેક્શનને બાદ કરીએ તો કરન્સી અને જીડીપીનો રેશિયો 2020-21ના નાણાકીય વર્ષમાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટ્યો હોવાની ધારણા છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે જીડીપીમાં ધબડકો થયો ન હોત તો કરન્સી-જીડીપી રેશિયો 2020-21માં 12.7 ટકા રહ્યો હોત, જે 2010-11માં 12.4 ટકા હતો.