અમેરિકામાં ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુએસના ટેક્સાસ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો ભોગ બનેલા 50 વર્ષના દર્દીનું મોત થયું હતું. હેરિસ કાઉન્ટી પબ્લિક હેલ્થ દ્વારા જણાવાયું હતું કે આ દર્દીએ કોરોનાની રસી લીધી નહોતી અને તેને અન્ય બિમારીઓ પણ હતી.
ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ લાગવાને કારણે યુએસમાં થયેલું આ પહેલું મોત છે. હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલે જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહથી ઓછાં સમયમાં ઓમિક્રોનના કેસો 82 ટકા થઇ ગયા છે. આની સરખામણીમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોને 80 ટકાએ પહોંચતા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.
બ્રિટનમાં કોરોના મહામારીનો કેર યથાવત રહ્યો છે. મંગળવારે કોરોનાના નવા 90,629 કેસ નોંધાયા હતા અને વધુ 172નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 1,15,42,143 થયા હતા જ્યારે મૃત્યુઆંક 1,47,433 થયો હતો. અહીં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 98,73,098 દર્દી સાજા થયા છે.
ધ સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન- સીડીસી-ના આંકડા દર્શાવે છે કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ચેપમાં ઓમિક્રોનના હિસ્સામાં છ ગણો વધારો નોંધાયો છે. ન્યુ યોર્ક વિસ્તારમાં 90 ટકા નવા કેસો ઓમિક્રોનના છે. રાષ્ટ્રીય દર સૂચવે છે કે છેલ્લા એક અઠવાડિયામાં ઓમિક્રોનનો ચેપ 6,50,000 કરતાં વધારે લોકોને લાગ્યો છે. નવેમ્બરના અંત સુધીમાં 99.5 ટકા કેસ ડેલ્ટાના નોંધાયા હતા.
ન્યુ યોર્કમાં બ્રોડવેના બે સૌથી વધારે લોકપ્રિય મ્યુઝિક્લ હેમિલ્ટન અને અલ્લાદીનના શો નાતાલ દરમ્યાન રદ કરવામાં આવ્યા છે. મ્યુઝિકલ કંપનીઓમાં કોરોનાના બ્રેકથુ્ર કેસ નોંધાતા આ શો રદ કરવા પડયા છે. આ પૂર્વે મિસિસ ડાઉટફાયર, એમજે તથા અન્ય નાટકોના શો રદ કરવામાં આવેલા છે.
દરમ્યાન સંયુક્ત આરબ અમીરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 452 કેસ નોંધાયા છે અને બે જણાના મોત થયા છે. યુએઇમાં 99 ટકા લોકોએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો છે અને સરકાર તમામને ફાઇઝરની કોરોના રસીનો ડોઝ આપવાની ઓફર કરે છે.