મોબ લિન્ચિંગની ઘટનાઓ અંગે મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રહારનો વળતો જવાબ આપતા ભાજપના નેતાઓ 1984ના શીખ વિરોધી રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને મોબ લિન્ચિંગના પિતા ગણાવ્યા હતા.
કોંગ્રેસ શાસિત પંજાબમાં તાજેતરમાં મોબ લિન્ચિંગની બે ઘટના બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 2014 પહેલા લિન્ચિંગ શબ્દ સાંભળવા મળતો નથી. થેન્ક યુ મોદીજી. પંજાબમાં શીખ ધર્મના પ્રતિકોના કથિત અપમાન બદલ બે ઘટનામાં લોકોના ટોળાએ માર મારીને બે લોકોની હત્યા કરી હતી.
માહિતી અને પ્રસારણ પ્રધાન અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે હજારો શીખોની હત્યા થઈ હતી તે 1984ના રમખાણો લિન્ચિંગનું સૌથી મોટા ઉદાહરણ છે.
મીડિયા માટે દલાલી જેવા અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં ઠાકુરે જણાવ્યું હતું કે આ બાબત ઘણી જ શરમજનક છે. રાહુલ ગાંધીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના નેતાએ આવી રીતે ત્રીજી વખત પત્રકારો પર હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ કરતાં ભાજપના નેતાએ મીડિયાને અનુરોધ કર્યો હતો કે આ મુદ્દે મીડિયાઓ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. રાહુલ ગાંધીના વિચારો મીડિયાનો અવાજ દબાવવામાં આવ્યો હતો તે ઇમર્જન્સીની યાદ અપાવે છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની કુમાર ચોબેએ જણાવ્યું હતું કે 1984ના રમખાણોમાં હજારો શીખોના મોત થયા હતા અને તેના પાછળ કોંગ્રેસના કેટલાંક નેતાઓનો દોરીસંચાર હતો. તેમણે 1989ના ભાગલપુર તોફાનોનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે શું આ તોફાનો લિન્ચિંગ ન હતા. લોકોના ટોળાએ શીખોના ગળા પર ટાયર બાંધીને લોકોની હત્યા કરી હતી. શું તે લિન્ચિંગ નથી?
ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજીવ ગાંધીને મળો, મોબ લિન્ચિંગના પિતા, તેમણે શીખોના નરસંહારને વાજબી ઠેરવ્યો હતો. કોંગ્રેસ રસ્તા પર ઉતરી હતી અને ખૂન કા બદલ ખૂન સે લેંગના સૂત્રો પોકાર્યા હતા, મહિલાઓ પર રેપ કર્યા હતા, શીખોના ગળા પર ટાયર ભરાવીને સળગાવ્યા હતા અને ગટરોમાં ફેંકી દેવાયેલા મૃતદેહો કુતરાની મિજબાની બન્યા હતા. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ટૂંકા સંબોધનની એક ક્લિપ પોસ્ટ કરી હતી. જેમાં રાજીવ ગાંધી કહે છે કે મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી ધ્રુજે છે