સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથને યાત્રાને સરળ બનાવવા માટે સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે નિર્માણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ માટે વિસ્તૃત ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ( ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે. ફક્ત કેદારનાથ જ નહીં પરંતુ હેમકુંડ સાહિબ માટે પણ રોપવેનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ રોપવેના નિર્માણમાં પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ રસ દાખવી શકે તે માટે જાહેર નિવિદા આમંત્રિત કરવામાં આવી છે. પ્રવાસ સચિવ દિલીપ જાવલકરના જણાવ્યા અનુસાર કેદારનાથ રોપવેનું કાર્ય પૂર્ણ થઇ ગયા પછી તે વિશ્વના સૌથી લાંબા રોપવેમાં સામેલ થઇ જશે. તેની લંબાઇ ૧૧.૫ કિલોમીટર હશે અને ફક્ત ૨૫ મિનિટમાં જ સોનપ્રયાગથી કેદારનાથ પહોંચી શકાશે.
સમુદ્ર સપાટીથી ૧૧૫૦૦ ફૂટની ઉંચાઇ પર આવેલા કેદારનાથ ધામ માટે ગોરીકુંડથી ધામ સુધીની પગપાળા યાત્રા લગભગ ૧૬ કિમી સુધીની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ નવેમ્બરે કેદારનાથમાં જણાવ્યું હતું કે કેદારનાથ અને હેમકુંડ સાહિબ માટે રોપવેનું કાર્ય ચાલી રહ્યું છે. આ અંગેનું કાર્ય હવે ઝડપી બનાવવામાં આવશે. પ્રવાસ સચિવ દિલીપ જાવલકરના જણાવ્યા અનુસાર રાજ્યમાં રોપવે નિર્માણ માટે સરકારે રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટી સાથે એમઓયુ કર્યુ છે.