Sabarmati Riverfront in Ahmedabad

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યના અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ યથાવત્ રાખવાનો સોમવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

રાજ્યમાં 20 ડિસેમ્બરે સુધી ઓમિક્રોનના કુલ 13 કેસ નોંધાયા હતા, જેમાં રાજકોટમાં 1, સુરતમાં 2, અમદાવાદમાં 2 કેસ, જામનગરમાં 3, વડોદરામાં 2 કેસ  તથા ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં 1-1 કેસ નોધાયો હતો.

નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના ડેટા અનુસાર દેશમાં ઓમિક્રોનના મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા હતા. જ્યારે દિલ્હી (24), રાજસ્થાન (17), કર્ણાટક (19), તેલંગાણા (20), ગુજરાત (11) અને કેરળ (11)  કેસ સામે આવ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશ, ચંડીગઢ અને તમિલનાડુમાં એક-એક ઓમિક્રોન કેસ હતા.