આર્ટ્સ ફોર ઓલ ફાઉન્ડેશન, મેનહટ્ટન બરો પ્રેસિડેન્ટ ગેલ બ્રૂઅર અને યુનાઇટેડ નેશન્સના પ્રતિનિધિઓની હાજરીમાં 10 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ અને પીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1948માં આ દિવસે યુનાઇટેડ નેશન્સે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સને સ્વીકાર્યું હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે. માનવાધિકારો પ્રત્યે કટિબદ્ધતા અને સમૂદાયોની આજીવન સેવા કરનાર અનેક લોકોને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે.
આ નિમિત્તે ન્યૂયોર્કમાં ‘ઇન્સ્પાયર ગૂડ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટ્સ ફોર ઓલનાં સ્થાપક ડો. સુમિતા સેનગુપ્તાએ આ સન્માનિતોને ‘ખૂબ જ વિશેષ’ લોકો તરીકે વર્ણવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં દરેક વ્યક્તિએ વૈશ્વિક સ્તરે સમાજને, પોતાના સમૂદાયને મદદ કરવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું છે. 73 વર્ષ અગાઉ બીજા વિશ્વ યુદ્ધના જુલમ, નરસંહાર અને અત્યાચારો સામે વિશ્વએ એકતા દર્શાવ્યા પછી આપણે તમામ લોકોના સાર્વત્રિક અધિકારોનું જતન કરવા અને તેને ટકાવી રાખવા આપણી કટિબદ્ધતાને ફરીથી ખાતરીબદ્ધ કરીએ છીએ.’
તેમણે જણાવ્યું હતું કે, ‘ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી એલીનોર રૂઝવેલ્ટથી લઈને આજે માનવાધિકાર કર્મશીલો સુધી, હ્યુમન રાઇટ્સ દિન નિમિત્તે આપણે તમામ બહાદુર વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ, જેમણે વૈશ્વિક મહામારી દરમિયાન સ્વતંત્રતા, ન્યાય, મુક્તિ, સમાનતા જાળવણીમાં એકબીજાને મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.’
મેનહટ્ટન બરો પ્રેસિડેન્ટ ગેલ બ્રૂઅરે જણાવ્યું હતું કે, ‘અનેક આશ્રિતોને આવકારવા, આર્થિક અને વંશીય ન્યાયને પ્રોત્સાહન આપવા, વિવિધતાની ઉજવણી, સમલૈંગિકોના અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા અને જાતીય સમાનતા અથવા હિંસાને વખોડવાની હોય, ન્યૂયોર્કવાસીઓ જુલમ સામે માનવાધિકારોની રક્ષા અને લડતનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આજે, માનવાધિકાર દિવસ નિમિત્તે અમારા ન્યૂયોર્કવાસીઓનું સાથીઓનું સન્માન કરતાં મને ગર્વ થાય છે કે, જેમણે શાંતિ, ન્યાય અને સ્વતંત્રતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.’ આ કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી એલીનોર રૂઝવેલ્ટની યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ વિશે પ્રવચન આપતી એક ઐતિહાસિક વિડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અનેક ઇન્ડિયન અમેરિકન્સને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 19 પુસ્તકોના લેખક અને વિલિયમ પેટર્સન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અરવિંદ ઘોષ, આઉટરીચ ઓફ ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનનાં ડાયરેક્ટર ડો. સુસ્મિતા જસ્ટી, વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના બોર્ડ સભ્ય ડો. બાબુ જસ્ટી, એસોસિએશન ફોર ઇન્ડિયન્સ ઇન અમેરિકનના નેશનલ પ્રેસિડેન્ટ ડો. ઉર્મિલેશ આર્યા, આલ્બર્ટ આઇનસ્ટાઇન કોલેજ ઓફ મેડિસીનના ડો. ધનંજય સી. સાહાનો સમાવેશ થાય છે.