પનામા પેપર કેસના સંદર્ભમાં તપાસ માટે ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્ચર્યારાય બચ્ચનને સમન્સ મોકલ્યું હતું, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. ઐશ્ચર્યાએ બે વખત સમય માંગ્યો હતો.
ભારતના અનેક સેલેબ્સના નામ આ લિસ્ટમાં બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એશ્વર્યા રાયના પતિ અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની પૂછપરછ અગાઉ કરવામાં આવી હતી. પનામા પેપર્સ કેસમાં અમિતાભ બચ્ચનનું નામ પણ આવ્યું હતું. આ કેસમાં વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે એક વરિષ્ઠ અધિકારીને બ્રિટિશ વર્જિન આઈલેન્ડ પણ મોકલવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચન પર આક્ષેપ છે કે તેમણે વિદેશમાં ચાર સેલ કંપની બનાવી હતી. આ તમામ શિપિંગ કંપનીઓ હતી. રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચનને એક કંપનીનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. એશ્વર્યા એક કંપનીની શેર હોલ્ડર પણ હતી અને તે કંપનીને વર્ષ 2008માં બંધ કરી દેવામાં આવી હતી. આરોપ છે કે ટેક્સથી બચવા માટે આ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી.