મહામારીના પ્રારંભ પછી બ્રિટન વ્યાજદરમાં વધારો કરવાનું પ્રથમ G7 ઇકોનોમી બન્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ આગામી વર્ષે વ્યાજદરમાં ત્રણ વખત વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે બોન્ડ ખરીદીનો પ્રોગ્રામ (સ્ટીમ્યુલસ પેકેજ) જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વના અગ્રણી દેશોની સેન્ટ્રલ બેન્કોનો આ અલગ-અલગ માર્ગ દર્શાવે છે કે આ વેરિયન્ટને પગલે ઊંચી અનિશ્ચિતતા છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડ (BoE)એ ગુરુવારે બેન્ચમાર્ક બેન્ક રેટ 0.1 ટકાથી વધારીને 0.25 ટકા કર્યા હતા. બેન્કનો આ નિર્ણય અર્થશાસ્ત્રીઓની ધારણાથી વિપરુત છે. કારણ કે અર્થશાસ્ત્રીઓને વ્યાજદર સ્થિર રહેવાની ધારણા હતી. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે એપ્રિલમાં દેશમાં ફુગાવાનો દર વધીને 6 ટકા થવાનો અંદાજ છે, જે બેન્કના ટાર્ગેટ લેવલ કરતાં આશરે ત્રણ ગણો છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. BoEની કમિટી માને છે કે ફુગાવાના આઉટલૂક સામે બે તરફી જોખમ છે.