ઉત્તરપ્રદેશના લખીમપુરની હિંસા બાદ વિવાદમાં ફસાયેલા કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન અજય મિશ્રાએ બુધવારે પત્રકારો પર રોષ ઠાલવ્યો હતો અને તેમને ચોર ગણાવ્યા હતા. તેઓ એક પત્રકાર સામે એકદમ ધસી ગયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. પત્રકારોએ 3 ઓક્ટોબરની હિંસા અંગે સવાલ પૂછતાં પ્રધાને પિત્તો ગુમાવ્યો હતો. આ હિંસામાં તેમનો પુત્ર આરોપી છે.
પત્રકારોએ સુપરત કરેલા આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રધાને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને એક રિપોર્ટરનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો.
પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે “મુર્ખની જેમ સવાલ ન કરો. દિમાગ ખરાબ હૈ ક્યા? તુ શું જાણવા માગે છે? તમે એક નિર્દોષ વ્યક્તિને આરોપી બનાવ્યો છે, તમને શરમ આવે છે.?” પ્રધાને મીડિયાના ચોર કહ્યાં હતા અને ગુસ્સો કરીને મોબાઇલ ફોન બંધ કરવાની સૂચના આપી હતી. આ અંગેની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. કેન્દ્રીય પ્રધાન પત્રકારો પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. જોકે સાથે ઉભેલા લોકોએ તેમને રોકી લીધા હતા અને ત્યાર બાદ અજય મિશ્રા ટેનીએ પત્રકારોને અપશબ્દો કહ્યા હતા.