યુકેમાં ઓમિક્રોન વાઇરસના કારણે પ્રથમ મૃત્યુ થયું હોવાની જાહેરાત કરાઇ છે. કોવિડ રોગચાળાના કારણે ભયાનક ખાનાખરાબી પછી નવા કોવિડ વેરીઅન્ટ ઓમિક્રોનના ભયાનક જુવાળમાંથી બચાવવા વડા પ્રધાન બોરિસ જૉન્સને “ઓમિક્રોન કટોકટી” જાહેર કરી તેનો સામનો કરવા આ અઠવાડિયાથી ઇંગ્લેન્ડમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને બૂસ્ટર જેબ્સ આપવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાનનું લક્ષ્ય રોજ એક મિલિયન લોકોને રસી આપવાનું છે. નવા ઓમિક્રોન વાયરસ વેરીઅન્ટના ફેલાવાને કારણે યુકેનાું કોવિડ એલર્ટ લેવલ વધારીને ચાર કરવામાં આવ્યું છે. યુકેમાં ચેપ ફેલાવાનું સ્તર ઊંચું છે અને તે વધી રહ્યું છે. છેલ્લે યુકેમાં આ સ્થિતી મે મહિનામાં હતી. હાલમાં ઇંગ્લેન્ડમાં દસ લોકો ઓમિક્રોન વાઇરસથી ચેપગ્રસ્ત થયા પછી હોસ્પિટલમાં છે.
યુકેમાં ઓમિક્રોન વાઇરસનો કેર વ્યાપી ચૂક્યો છે ત્યારે સરકારે તા. 15ની સવારે 4 વાગ્યાથી અેંગોલા, બોત્સ્વાના, ઈસ્વાટિની, લેસોથો, માલાવી, મોઝામ્બિક, નામીબીયા, નાઈજીરીયા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને યુકેના ટ્રાવેલ રેડ લિસ્ટમાંથી કાઢી નાખવાની જાહેરાત કરી હતી. તો ધ લાયન કિંગ અને ધ લાઈફ ઓફ પાઈ, કોમેડી ઓફ એરર્સ જેવા સંખ્યાબંધ શો, મ્યુઝિકલ્સ, નાટકો અને પેન્ટો શો રદ કરાઇ રહ્યા છે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટલેન્ડમાં સોસ્યલાઇઝીંગ ત્રણ ઘરો સુધી મર્યાદિત કરવા વિનંતી કરી હતી. જો કે તે સલાહ ક્રિસમસના દિવસે લાગુ થશે નહીં અને લોકોને ઉજવણીની યોજનાઓ રદ ન કરવા અને “શક્ય હોય ત્યાં સુધી” અન્ય ઘરોના લોકો સાથેના તેમના સામાજિક સંપર્કો ઘટાડવા જણાવ્યું હતું.
વડા પ્રધાને તા. 13ના રોજ વેસ્ટ લંડનના પેડિંગ્ટન રસીકરણ ક્લિનિકની મુલાકાત દરમિયાન યુકેમાં ઓમિક્રોન વાઇરસના કારણે પ્રથમ મૃત્યુ થયું હોવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમણે મરણ પામેલી વ્યક્તિની ઉંમર, તેમની અંતર્ગત આરોગ્યની સ્થિતિ કે અન્ય વિગતો આપી નહોતી. આ ઉપરાંત મહત્વપૂર્ણ લેટરલ ફ્લો ટેસ્ટ કીટ ખલાસ થઇ ગઇ હોવાનું અને બૂસ્ટર ડોઝ બુક કરાવવા માટે લોકોએ પડાપડી કરતા NHS જેબ વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી. બીજી તરફ હજારો વોક-ઈન સેન્ટર્સની બહાર વેક્સીન લેવા માટે પાંચ કલાક લાંબી કતારોનો લોકોએ સામનો કરવો પડ્યો હતો.
12 તારીખે રવિવારે સાંજે બોરિસ જૉન્સને દેશવ્યાપી ટીવી પ્રવચનમાં જણાવ્યું હતું કે “કોઈને, કોઈ શંકા હોવી જોઈએ નહીં, ઓમિક્રોનની ભરતીનું તોફાની મોજું આવી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર આપવા માટે એક નવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. બૂસ્ટર વેક્સીનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા કેટલીક તબીબી એપોઇન્ટમેન્ટ મુલતવી રાખવામાં આવી છે. મને ડર છે કે હવે અમે નવા વેરીઅન્ટ ઓમિક્રોન સાથેની અમારી લડાઈમાં કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે રસીના બે ડોઝ આપણા બધાને જરૂરી સુરક્ષાનું સ્તર આપવા માટે પૂરતા નથી. પરંતુ સારા સમાચાર એ છે કે અમારા વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે ત્રીજા ડોઝ, બૂસ્ટર ડોઝ સાથે, આપણે બધા સુરક્ષાનું સ્તર લાવી શકીશું.”
તેમણે ઉમેર્યું હતું કે “આ સમયે અમારા વૈજ્ઞાનિકો એમ કહી શકતા નથી કે ઓમિક્રોન ઓછું ગંભીર છે. તે ખૂબ જ વધુ પ્રસરી શકે છે અને તેનાથી હોસ્પિટલમાં દાખલ થવાનું સ્તર જોખમી બનશેે, જે આપણા NHSને ડૂબી શકે છે અને દુર્ભાગ્યે ઘણા મૃત્યુ તરફ દોરી શકે છે. નવા બૂસ્ટર ટાર્ગેટનો અર્થ એ છે કે ઈંગ્લેન્ડમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો તેમના બીજી ડોઝને ત્રણ મહિના થઈ ગયા હશે તો આ અઠવાડિયાથી તેમની ત્રીજી રસી મેળવી શકશે. 30 અને તેથી વધુ ઉંમરના લોકો તેમના બીજા ડોઝ પછીના બે મહિના બાદ ઑનલાઇન સેવાનો ઉપયોગ કરીને અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના પાત્ર લોકો માટે સોમવારથી કેટલીક વોક-ઇન એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ થશે.’’
સ્કોટલેન્ડ પણ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર આપવાનું લક્ષ્ય રાખે છે. નોર્ધર્ન આયર્લૅન્ડે તેના રોલઆઉટમાં વધારો કરી રહ્યું છે. જૉન્સને કહ્યું હતું કે ‘’રસીકરણ માટે સમય ફાળવવા કેટલાક GPને પહેલાથી જ રેગ્યુલર હેલ્થ ચેક મુલતવી રાખવાની મંજૂરી અપાઇ છે. રસીકરણ માટે સૈન્યની 42 ટીમો પ્રયાસમાં મદદ કરવા માટે દરેક ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે. સમગ્ર ઇંગ્લેન્ડમાં વધારાની વેક્સીનેશન સાઇટ્સ અને મોબાઇલ યુનિટ્સ સ્થાપવામાં આવશે. જીપી ક્લિનિક્સ ખોલવાના કલાકો વધુ એપોઇન્ટમેન્ટ સાથે લંબાવવામાં આવશે. હજારો વધુ વોલંટીયર્સ – રસીકરણ કરનારાઓને તાલીમ આપવામાં આવશે. યુકે સરકાર સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં રસીકરણને ઝડપી બનાવવા માટે વધારાની સહાય પણ આપશે.’’
જૉન્સનની યોજનાઓની જાહેરાત બાદ પ્રથમ જ દિવસે અંધાધૂંધી સર્જાઇ હતી અને સેન્ટ્રલ બુકિંગ વેબસાઇટ વારંવાર ક્રેશ થઈ હતી. માંગમાં થયેલા વધારાનો સામનો કરવામાં NHS બુકિંગ સિસ્ટમ વેબસાઇટ્સ નિષ્ફળ રહી હતી અને કેટલાક રસીકરણ ક્લિનિક્સમાં પાંચ કલાકની લાઇનો લાગી હતી. 57,000 વેક્સીન એપોઇન્ટમેન્ટ એટલે કે એક સેકન્ડમાં 16 એપોઇન્ટમેન્ટ માત્ર એક કલાકમાં નોંધાઇ હતી. તા. 13ના રોજ 397,532 લોકોએ બૂસ્ટર રસી લીધી હતી. જેની રોલિંગ એવરેજ હવે 425,869 છે. ઈંગ્લેન્ડમાં 18 મિલિયન લોકોને હજી ત્રીજી રસી આપવાની બાકી છે. NHS વડાઓ માને છે કે અઠવાડિયામાં 5 મિલિયન જેબ્સ સુધી પહોંચવું શક્ય છે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે તા. 13ના રોજ જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડમાં 10 લોકો હાલમાં ઓમિક્રોન સાથે હોસ્પિટલમાં છે, પણ કોઈનું મૃત્યુ થયું નથી. લંડનમાં કોવિડના તમામ કેસોમાંના 40 ટકા કેસ ઓમ્રિકોનના હતા, જે “અસાધારણ દરે” ફેલાઈ રહ્યા છે. ભલે ઓમિક્રોન અન્ય પ્રકારો કરતા હળવો હોય પરંતુ હવે કાર્ય કરવું મહત્વપૂર્ણ છે.’’
પ્રારંભિક ડેટા સૂચવે છે કે ત્રીજો બૂસ્ટર ડોઝ મેળવવાથી વ્યક્તિને ઓમિક્રોનના વાઇરસ સામે લગભગ 70થી 75 ટકા રક્ષણ મળે છે. યુકેમાં તા. 11ને શનિવારે અડધા મિલિયનથી વધુ લોકોને બૂસ્ટર જૅબ્સ અને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કોવિડ માટે તબીબી રીતે સંવેદનશીલ લોકોને અપાતો રસીનો ત્રીજો ડોઝ તેમનો સંપૂર્ણ કોર્સ ગણવામાં આવે છે જ્યારે તેમની ચોથી રસીને બૂસ્ટર ડોઝ કહેવાય છે.
તા. 12ના રવિવારે યુકેમાં ઓમિક્રોનના વધુ 1,239 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી. જે સાથે યુકેમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 3,000થી વધુ થઈ ગઈ હતી – જોકે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે. લેબર નેતા સર કેર સ્ટાર્મર અને લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ જોન્સનની બુસ્ટર ડોઝ ઝૂંબેશને સમર્થન આપ્યું હતું. રોયલ કૉલેજ ઑફ નર્સિંગે પણ બૂસ્ટર પ્રોગ્રામના વિસ્તરણને આવકાર્યું હતું.