સુપ્રીમ કોર્ટે બુધવારે પોર્ન ફિલ્મ રેકેટ સંબંધિત એક કેસમાં બોલિવૂડ અભિનેત્રીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને ધરપકડમાંથી ચાર સપ્તાહનું રક્ષણ આપ્યું હતું. આગોતરા જામીનની માગણી કરતી રાજ કુન્દ્રાની પિટિશન અંગે કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ આપી હતી.
અગાઉ નવેમ્બર મહિનામાં બોમ્બે હાઇ કોર્ટે રાજ કુન્દ્રાને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટમાં પિટીશન કરી હતી. રાજ કુન્દ્રા સામે પોર્ન વીડિયોના વિતરણ બદલ પોલીસ કેસ કરવામાં આવેલો છે.
જસ્ટિસ વિનીત સરણ અને અનિરુદ્ધ બોઝની બનેલી સુપ્રીમ કોર્ટે ખંડપીઠે કુન્દ્રાને ધરપકડમાંથી રાહત આપવાના મુદ્દે દલીલો સાંભળી હતી અને આ કેસની સુનાવણી ચાર સપ્તાહ માટે મોકૂફ રાખી હતી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈ રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા સામે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર કેટલાય આક્ષેપ કરવામાં આવ્યાં છે. જો કે આ મામલે રાજ કુન્દ્રાને આજે 20 જૂલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.