બાર્ની ચૌધરી દ્વારા
ક્રાઉન કોર્ટના એક જજની મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ, લોર્ડ ચાન્સેલર તથા લોર્ડ ચીફ જસ્ટીસ સામેની કાનૂની લડત હવે એક ડગલું આગળ વધી છે. જજ કેલી કૌલ, ક્યુસીએ કરેલા દાવા મુજબ ખુદ જ્યુડિસિયરીના વરિષ્ઠ સભ્યોએ તેને દબડાવવાના પ્રયાસો કર્યા હતા, 2015માં પોતે એક કેસની કાર્યવાહી દરમિયાન ત્રણ બેરિસ્ટર્સના વર્તન બાબતે ફરિયાદ કરી ત્યારે આ વરિષ્ઠ સભ્યોએ પોતાના માટે જરૂરી એવું સમર્થન આપ્યું નહોતું.
ગરવી ગુજરાતે જોયેલા કોર્ટ કેસના પેપર્સ મુજબ જજ કેલી કૌલે એવો આક્ષેપ કર્યો હતો કે, “ત્રણ વકીલોએ તેની સાથે કરેલું વર્તન અપમાનજનક, સૌજન્ય વિનાનું, અવ્યાવસાયિક અને તોછડાઈભર્યું હતું.”
એ પછી, છેક 2019માં બાર સ્ટાન્ડર્ડ બોર્ડ્સ (બીએસબી) ને એવું જણાયું હતું કે, ત્રણમાંના એક બેરિસ્ટરે ગેરવર્તન કર્યું હતું. બીજા બે અંગે હજી બોર્ડે કોઈ નિર્ણય લીધો નથી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દ્વારા પણ એ વાત સ્વિકારાઈ હતી કે, તેમના બેરિસ્ટર્સમાંના એકનું વર્તન આવશ્યક ધોરણો કરતાં ઉતરતી કક્ષાનું રહ્યું હતું.
કોર્ટના પેપર્સમાં એવું પણ દર્શાવાયું છે કે, જજ કૌલના દાવા મુજબ એક ટ્રાયલ દરમિયાન સિનિયર જજીસ તેમજ કોર્ટ સ્ટાફે તેમને સમર્થન આપ્યું નહોતું અને તેના કારણે પોતે ડીપ્રેશન, એન્કઝાયટી તથા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસના લક્ષણોના શિકાર બન્યા હતા.
એવો પણ આક્ષેપ કરાયો છે કે, એક સિનિયર જસ્ટીસે જજ કૌલનો “હાથ પકડી તેને એક આખા કોરિડોરના એક છેડેથી બીજા છેડે ઢસડ્યા હતા, તેના આંગળા જજ કૌલના બાવડામાં ભરાવ્યા હતા અને થોડા સમય માટે તે એમ જ રાખતાં જજ કૌલને હાથમાં એ જગ્યાએ લાલ ચકામા ઉપસી આવ્યા હતા, ઉઝરડા પણ પડ્યા હતા.”
માસ્ટર (રોજર) ઈસ્ટમેન સમક્ષની 24 નવેમ્બરના રોજ થયેલી એક વર્ચ્યુઅલ સુનાવણીમાં આ મામલાની ટ્રાયલનો આરંભ આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા સોમવારે હાથ ધરવાનું ઠરાવાયું હતું.
માસ્ટરે જજ કૌલની એ બાબતે માફી માંગી હતી કે, એક નિવૃત્ત જજને તેઓ જાહેર સુનાવણીની મંજુરી આપતા નથી. મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસે પણ અગાઉ એવી કબૂલાત કરી હતી કે, જ્યુડિસિયરી તથા સરકાર પોતાની જજ કૌલની કાળજી લેવાની ફરજમાંથી ચૂક્યા હતા.