ભારતે ઓસ્ટ્રેલિયા સાથે એર બબલ એગ્રીમેન્ટ કર્યા છે. આ સમજૂતીથી પાત્રતા ધરાવતા મુસાફરો બંને દેશો વચ્ચે મુસાફરી કરી શકશે.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર ભારત અને ઓસ્ટ્રેલિયાની એરલાઇન્સ કંપનીઓ ભારતના નાગરિકો અથવા ભુતાન અને નેપાળના નાગરિકોને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ લઈ જઈ શકશે. આ ઉપરાંત ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડહોલ્ડર્સ અને પીઆઇઓ કાર્ડહોલ્ડર્સ તથા ભારતના માન્ય વિઝા ધરાવતા તમામ વિદેશી નાગરિકોનો પણ આ સમજૂતીનો લાભ મળશે.
એ જ રીતે ઓસ્ટ્રેલિયાના નિવાસી કે નાગરિકો તથા ઓસ્ટ્રેલિયાના માન્ય વીઝા સાથેના વિદેશી નાગરિકો ભારતમાંથી ઓસ્ટ્રેલિયામાં હવાઇ મુસાફરી કરી શકશે.
ભારતે ઓમિક્રોન વેરિયન્ટને પગલે અગાઉ જાહેરાત કરી હતી કે તે 31 ડિસેમ્બર સુધી રાબેતા મુજબ ધોરણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરશે નહીં. જોકે દ્વિપક્ષીય એરબબલ સમજૂતી હેઠળ પેસેન્જર ફ્લાઇટ્સ ચાલુ રહેશે.
ઓસ્ટ્રેલિયા સાથેની સમજૂતી સાથે ભારતે 33 દેશો સાથે એર બબલ એગ્રીમેન્ટ કર્યા છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બહેરિન, ભુતાન, બાંગ્લાદેશ, કેનેડા, ઇથિયોપિયા, ફ્રાન્સ, ફિનલેન્ડ, જર્મની, ઇરાક, જાપાન, કુવૈત, કેન્યા, મોરેશિયસ, માલદિવ્સ, નાઇજિરિયા, નેપાળ, નેધરલેન્ડ, ઓમાન, કતાર, રવાન્ડા, રશિયા, સિંગાપોર, સેસેલ્સ, શ્રી લંકાન, સ્વિત્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ આરબ અમિરાત, અમેરિકા અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.