ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સોમવારે સાંજે એક કેસ સુરતમાં નોંધાતા રાજ્યમાં કુલ કેસ સંખ્યા ચાર પર પહોંચી છે. અગાઉ જામનગરમાં આ વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે. સુરતમાં તાજેતરમાં સાઉથ આફ્રિકાથી આવેલા યુવાન પ્રવાસીનો ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તે ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ પ્રવાસીનો ભારતમાં દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. ઉપરાંત અમદાવાદમાં પણ તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ દરમિયાન એક સપ્તાહ પછી કોરોનાના લક્ષણો જણાતા સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીજો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. અત્યારે આ દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવે છે.
આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાથી પરત આવેલા 42 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનું જીનોમ સિક્વન્સિંગ કરાવતા તે ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું જણાયું છે. તેના પરિવારના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમની સાથે પ્રવાસ કરનાર તમામ વ્યક્તિઓના પણ ટેસ્ટિંગ કરાયા છે, તે પણ નેગેટિવ આવ્યા છે. વરાછાનો યુવક પોઝિટિવ આવ્યા બાદ તેને યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર જળવાઈ રહી છે.