ગળાકાપ સ્પર્ધાના અંતે મિસ યુનિવર્સ 2021 તરીકે ભારતની હરનાઝ સંધૂની પસંદગી થઇ છે. 12 ડિસેમ્બરે ઈઝરાયેલ ખાતે યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી વિશ્વભરમાંથી 75થી વધુ સુંદરીઓ આવી હતી. તીવ્ર સ્પર્ધાના અંતે હરનાઝે અંતિમ 3 હરીફોમાં સાઉથ આફ્રિકન અને પેરાગ્વેની સુંદરીઓ સાથે સ્થાન મેળવ્યું હતું. ભારતથી દિયા મિર્ઝા પણ આ સ્પર્ધામાં હાજર રહી હતી. જ્યારે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.
અંતિમ ત્રણેય સ્પર્ધકોને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? આ અંગે હરનાઝ સંધૂએ જવાબ આપ્યો કે, તમારે એ સ્વીકારવું જોઈએ કે, તમે અદ્વિતીય છો અને એ જ બાબત તમને સુંદર બનાવે છે. બાહર આવીને પોતાના માટે બોલતા શીખો કારણ કે, તમે જ તમારા જીવનના લીડર છો. આ જવાબની સાથે જ હરનાઝે આ વર્ષનો મિસ યુનિવર્સ ખિતાબ પોતાના નામે કર્યો છે.
21 વર્ષીય હરનાઝ સંધૂ ચંદીગઢમાં રહે છે અને પ્રોફેશનલ મોડેલ છે. તેણે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. તેના પછી તેમણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કહેવાય છે કે, જ્યારે તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તે દેખાવમાં ખૂબ પાતળી હતી તેથી બધા તેની મજાક કરતા હતા. હરનાઝે આ અંગે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે મેં પણ પાતળા શરીર અને ઓછા વજનના કારણે તણાવ અનુભવ્યો હતો. જોકે, એમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે કે, તમે એક એવા વ્યક્તિ પર ભરોસો કરો કે જેને તમે પોતાની બધી મુશ્કેલીઓ કોઈ પણ ખચકાટ વગર જણાવી શકો. આમાંથી બહાર નિકળવા માટે મારા પરિવારે પૂરો સાથ આપ્યો.