તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના શુક્રવાર,10 ડિસેમ્બરે દિલ્હીમાં લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દેશે જનરલ રાવતને 17 તોપોની સલામી સાથે અંતિમ વિદાય આપી હતી. રાવત તેમજ તેમના પત્નીને તેમની બે દીકરીઓ કૃતિકા અને તારિણીએ મુખાગ્નિ આપ્યો હતો. દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આવેલા બ્રાર સ્કવેર સ્મશાનગૃહમાં રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરાયા હતા. સેનાની ત્રણેય પાંખના વડાએ પણ સ્મશાન ગૃહમાં હાજર રહીને સ્વ. રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વર્ગસ્થની દિલ્હીના માર્ગો પર અંતિમ યાત્રા નીકળી તે વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને તેમને સલામી આપી હતી. રાવત અને તેમના પત્ની સાથે અન્ય 12 અધિકારીઓ અને કર્મચારીઓ પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા. તમામ મૃતકોના પાર્થિવ દેહને ગુરુવારે દિલ્હી લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમ સંસ્કારમાં પણ અનેક નેતાઓ, પ્રધાનો અને ટોચના લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, યુપીના મુખ્યપ્રધાન આદિત્યનાથ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયાએ પણ રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.