જામનગરમાં શુક્રવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનના નવા બે કેસ નોંધાયા હતા. અગાઉ ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટવ આવ્યા હતા. આ વૃદ્ધના સંપર્ક સંપર્કમાં આવેલી બે વ્યક્તિ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. આની સાથે ભારતમાં ઓમિક્રોન પોઝિટિવના કેસની સંખ્યા વધીને 25 થઈ હતી.
આ બંને વ્યક્તિનો કોરોના રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. જેથી જિનોમ સિકવન્સિંગ માટે તેમના સેમ્પલ અમદાવાદની લેબમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું હતું. ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત ઓમિક્રોન કેસના કોન્ટેક્સમાં આવેલી એક મહિના દિલ્હીમાં કોરોના પોઝિટિવ આવી હતી અને તેમને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજસ્થાનમાં ઓમિક્રોન સંક્રમિત તમામ નવ વ્યક્તિઓને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.