આરબ દેશોમાં ખાદ્યચીજો સપ્લાયર તરીકે ભારતે 15 વર્ષ બાદ મોખરાનું સ્થાન મેળવ્યું છે. આરબ-બ્રાઝિલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરબ દેશોને ફૂડ એક્સપોર્ટ એટલે કે ખાણી-પીણીનો સામાન સપ્લાય કરવા મુદ્દે 2020માં ભારત પહેલા નંબરે પહોંચી ગયું છે. 15 વર્ષમાં પહેલીવાર બન્યું છે કે ભારત, બ્રાઝીલને પાછળ છોડીને આરબ દેશોમાં નંબર વન ફૂડ સપ્લાયર બન્યું છે. રિપોર્ટ મુજબ, વૈશ્વિક કોરોના મહામારીને લીધે વર્ષ 2020માં આરબ અને બ્રાઝીલના વેપારમાં ઘટાડો આવ્યો હતો.
ગયા વર્ષે કોરોના મહામારીને કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વ્યવહારો પણ ઠપ થયા હતા. વૈશ્વિક કોરોના મહામારીથી પ્રભાવિત બ્રાઝીલ પર વેપાર સંબંધે અન્ય દેશોથી અલગ થયું હતું. આરબ-બ્રાઝીલ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આરબ દેશોને ફૂડ આઇટમ્સ સપ્લાય કરતાં 22 દેશોમાં બ્રાઝીલની ભાગીદારી સૌથી વધુ 8.15 ટકા હતી. પરંતુ હવે ભારતે આ ભાગીદારીના 8.25 ટકા હિસ્સા પર કબજો કરી લીધો છે. આંકડા મુજબ વિતેલા 15 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે, આરબ દેશો માટે ભારત સૌથી મોટા ફૂડ સપ્લાયર બન્યું હોય.
રિપોર્ટ મુજબ, બ્રાઝીલના જહાજ સાઉદી આરબ પહોંચવામાં એક મહિનાનો સમય લેતા હતા, પરંતુ વર્તમાન સ્થિતિમાં આ જહાજો બે મહિનાનો સમય લઇ રહ્યા છે. જ્યારે ભારત અને આ દેશો વચ્ચેનું અંતર ઓછું છે, જેથી ભારતીય જહાજો ફૂડ સપ્લાય સાથે માત્ર એક જ અઠવાડિયામાં પહોંચી જાય છે.