ભારત સરકારના નવા કૃષિ કાયદા અને કૃષિ પેદાશના ટેકાના ભાવ સહિતની માગણી સાથે દિલ્હીની બોર્ડર પર આશરે 15 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગુરુવાર, 9 ડિસેમ્બરે તેમના આંદોલનને સમેટી લેવાની જાહેરાત કરી છે. સરકારે અગાઉ ત્રણ કૃષિ કાયદા રદ કર્યા હતા, જે ખેડૂતોની મુખ્ય માગણી કરી હતી. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી હતી કે આ આંદોલન શનિવાર, 11 ડિસેમ્બરે સમાપ્ત થશે. સરકારે ખેડૂતોની બીજી માગણીઓ અંગે પણ લેખિતમાં બાંયધરી આપી હતી.
પેન્ડિંગ માગણીઓ અંગે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે સંમતિ સધાઈ હતી. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન ખતમ કરવા માટેનુ એલાન કરાયુ હતું. આ પહેલા મોરચા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.
ખેડૂત આગેવાન બલવીર રાજેવાલે કહ્યું હતું કે, અમે સરકારને ઝુકાવીને પાછા જઈ રહ્યા છે. 15 જાન્યુઆરીએ ફરી ખેડૂત મોરચાની બેઠક યોજાશે અને તેમાં આગળની રણનીતિ પર ચર્ચા થશે. 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોનુ ઘરે પાછા ફરવાની શરુઆત થશે.
તેમણે કહ્યું હતું કે, એ પછી 13 ડિસેમ્બરે ખેડૂતો અમૃતસરમાં હરમિન્દર સાહેબ સમક્ષ માથુ ટેકવશે અને 15 ડિસેમ્બરથી પંજાબના ટોલ પ્લાઝા પર મોરચો માંડનારા ખેડૂતો પણ હટી જશે. ખેડૂતોએ પણ ઘરવાપસીની તૈયારીઓ શરુ કરી દીધી હતી. ખેડૂતોએ પોતાના ટેન્ટ ઉખાડવાનું શરુ કરી દીધું હતું, ખેડૂતો જણાવ્યું હતું કે સરકારે અમારી માંગણીઓ માની લીધી છે અને અમે પાછા ફરી રહ્યા છે.
ગુરુવાારે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે પણ બેઠક યોજાઈ હતી અને તે સમયથી જ અટકળો થઈ રહી હતી કે, સરકારના વલણને જોતા ખેડૂત આંદોલન સમાપ્ત થવાની જાહેરાત થઈ શકે છે. આ પહેલા સરકારે ખેડૂતોને પત્ર લખીને તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી હતી. પત્રમાં સરકારે કહ્યું છે કે, કૃષિ પેદાશોના ટેકાના ભાવ (એમએસપી) પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.
ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યું છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે.સબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી હતી.
સરકારે પત્રમાં આગળ કહ્યુ હતુ કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજા સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે.
સરકારે પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, પરાળી સળગાવવાના મામલામાં ખેડૂતો સામે કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે.આમ ખેડૂતોની જે પાંચ માંગણીઓ છે તેનુ સમાધાન કરવામાં આવ્યુ હતું. તેથી હવે આ આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. સરકાર ખેડૂતોને અનુરોધ કરે છે કે, આંદોલન પુરુ કરવામાં આવે.