64 વર્ષનો અનિલ કપૂર તેની ફિટનેસ માટે બોલીવૂડમાં ઘણો જાણીતો છે. તાજેતરમાં તેનો જીમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. જોકે અત્યારે તેણે એક વીડિયો જર્મનીથી પોસ્ટ કર્યો હતો. પગના સ્નાયુમાં ઈજા થતાં તેને જર્મનીમાં તેની સારવાર કરાવી હતી. છેલ્લાં દસ વર્ષથી તે પગની સમસ્યાથી પીડાય છે. જોકે હવે સર્જરી વિના આ સમસ્યાથી છૂટકારો મેળવ્યો છે. આ બિમારીથી પગના નીચેના ભાગને નુકસાન થાય છે.
આ કારણે ચાલવામાં તકલીફ પડે છે અને સખત દુઃખાવો થાય છે. આ સમસ્યા માટે સર્જરી જરૂરી છે. તેને એકિલિસ ટેન્ડનાઈટિસ નામની આ ઈજા પગની પિંડી અને પગના પંજાને જોડતાં સ્નાયુમાં થઇ હતી. આ ઈજા મોટેભાગે દોડવીરોને થાય છે. મોટી ઉંમરે ટેનિસ-બાસ્કેટ બોલ રમવાનું શરૂ કરનારાને પણ આ ઈજા થાય છે અને ઈજાથી સ્નાયુ ચિરાઈ જાય છે. અનિલ કપૂરના કેસમાં પણ આવું જ બન્યું હતું. તેણે આ અંગે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સ્નો પર એક પરફેક્ટ વોક, મારી છેલ્લી સારવાર માટે ડોક્ટર મુલરને મળવા જવાનું છે. તેમના જાદુઇ સ્પર્શ માટે આભારી છું. વિશ્વભરના ડોક્ટરો તેને આ માટે સર્જરીની સલાહ આપી હતી, પરંતુ જર્મનીના ડોક્ટરે તેને સર્જરી વગર જ સાજો કર્યો છે.