માર્ચ 2018ની સરખામણીમાં ચાલુ વર્ષના નવેમ્બરમાં બજારમાં રૂ.2,000ની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઊંચા મૂલ્યની આ નોટોની સંખ્યા ઘટીને 223.3 કરોડ અથવા ચલણમાં કુલ નોટોના 1.75 ટકા થઈ છે. માર્ચ 2018માં ચલણમાં રૂ.2000ની નોટોની સંખ્યા 336.3 કરોડ હતી. અહીં ઉલ્લેખનીય છે કે સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી.
મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઇ ચોક્કસ મૂલ્યની કેટલી નોટો બજારમાં રાખવી તેનો નિર્ણય આરબીઆઇ અને સરકાર સાથે મળીને કરે છે. જનતાની માગને ધ્યાનમાં રાખીને આ પ્રમાણ જાળવવામાં આવે છે. 31 માર્ચ 2018ના રોજ બજારમાં રૂ.2,000ના મૂલ્યની બેન્કનોટની સંખ્યા 336.3 કરોડ હતી, જે કુલ નોટના સંદર્ભમાં 3.27 ટકા અને તમામ ચલણના મૂલ્યના સંદર્ભમાં 37.26 ટકા હતા. આની સામે 26 નવેમ્બર 2021ના રોજ આવી નોટની સંખ્યા ઘટીને 223.3 કરોડ થઈ હતી, જે સિસ્ટમમાં કુલ નોટના 1.75 ટકા અને કૂલ મૂલ્યના 15.11 ટકા હતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે 2018-19 પછી આ બેન્કનોટ માટે કરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાં કોઇ નવી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. નોટબંધી પછી રૂ.2000ના મૂલ્યની નોટની સંખ્યામાં ઘટાડાનું કારણ એ છે કે આવી નોટોના પ્રિન્ટિંગ માટે નવેસરથી કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત ફાટી જવાથી અથવા બીજી કોઇ રીતે પણ ચલણમાંથી નોટ્સની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. નોટબંધી બાદ રૂ.2000ની નોટ અને રૂ.500ની નોટની નવી સિરિઝ જારી કરવામાં આવી હતી. આ પછી રૂ.200ની બેન્કનોટ પણ જારી કરવામાં આવી હતી.