ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેના નિયમોને સોમવારે અપડેટ કર્યા છે. ઓમિક્રોન ‘એટ રિસ્ક’ કન્ટ્રીની યાદીમાં ઘાના અને તાન્ઝિનિયાનો નવો ઉમેરો કરાયો છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ વધારાના નિયમોનું પાલન કરવાનું રહેશે. બધાએ ભારત આવતી ફલાઈટમાં બેસતા પહેલા એર સુવિધા પોર્ટલ ઉપર પોતાની વિગતો જાતે જ દર્શાવવી ફરજિયાત કરાયું છે.
સરકારે એર સુવિધા પોર્ટલ પર કોન્ટેક્ટલેસ સેલ્ફ ડિક્લેરેશનનો પણ આદેશ આપ્યો છે. એર સુવિધા પોર્ટલમાંથી એક્ઝેમ્પશન ફોર્મ દૂર કરવામાં આવ્યું છે અને ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિગતો ભરવાનું ફરજિયાત કરાયું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જારી કરેલા નિવેદન મુજબ તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેમના હાલના હેલ્થ સ્ટેટસની માહિતી ફરજિયાત જાહેર કરવી પડશે. જરૂરી દસ્તાવેજમાં પાસપોર્ટની કોપી, ડિપાર્ચરના 72 કલાકમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટના પીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ અને વેક્સિનેશન સર્ટિફેકટનો સમાવેશ થાય છે. ઇમિગ્રેશન માટે ભારતમાં આગમન સમયે ઇ-મેઇલ- કોપી આવશ્યક છે અને તેનું એરપોર્ટ હેલ્થ ઓફિસર કાઉન્ટરમાં વેરિફિકેશન કરવું પડશે.
નાગરિક ઉડ્ડયન પ્રધાન જે એમ સિંધિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેમણે ખાનગી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એરપોર્ટ પર ક્રાઉડ મેનેજમેન્ટની વાસ્તવિક સ્થિતિ અને ટેસ્ટિંગ કેપેસિટીની સમીક્ષા કરી છે.
‘એટ રિસ્ક’ કન્ટ્રીની યાદી સોમવારે અપડેટ કરવામાં આવી હતી. આવા દેશોમાં યુરોપ, યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્બે, સિંગાપોર, તાન્ઝાનિયા, હોંગકોંગ અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે 30 નવેમ્બર 2021ની ટ્રાવેલ ગાઇડલાઇનનો સમાવેશ કરવા માટે આ પોર્ટલની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ભારતમાં વિદેશી મુસાફરોને સરળતા રહેશે.
ટ્રાવેલ અપડેટ મુજબ ‘એટ રિસ્ક’ કન્ટ્રી માટેની તમામ એપ્લિકેશનને એચ અને રેડ બેન્ડમાં માર્ક કરાઈ છે અને બીજી એપ્લિકેશન ગ્રીન બેન્ડમાં છે. ‘એટ રિસ્ક’ કન્ટ્રીમાં આવતા કે ટ્રાન્ઝિટ કરતાં તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સે એર સુવિધા પોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવુ પડશે. આ ઉપરાંત 72 કલાકમાં કરવામાં આવેલો નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે. એરપોર્ટ પર આગમન બાદ કોરોના ટેસ્ટ (સ્વખર્ચે), સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇન, આઠમાં દિવસે રીરેસ્ટ અને નેગેટિવ આવે તો પણ આગામી સાત દિવસ માટે સેલ્ફ મોનિટરિંગનો સમાવેશ થાય છે.